આખરે એક દાયકા બાદ ધોલેરામાં બનશે નવું એરપોર્ટ, ૨૦૧૯ સુધીમાં શરૂ થઈ જશે કામગીરી

એક દાયકા થઈ રહેલી જાહેરાતો, ચર્ચાઓ અને વાતચીતો બાદ આખરે રાજ્ય સરકારે ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટના શ્રી ગણેશ તરફ પ્રથમ પગલું ભર્યું હોય તેવું જણાઈ રહ્યું છે, આ એરપોર્ટનું નામ ‘ન્યૂ અમદાવાદ એરપોર્ટ’ રાખવામાં આવશે. અમદાવાદથી 80 કિમી દૂર નવું એરપોર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા સાથે જોઈન્ટ વેન્ચર પર હસ્તાક્ષર કરશે. જૂન ૨૦૧૮માં એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવી શકે છે અને ૨૦૧૯ સુધીમાં એરપોર્ટનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે. જેને ૨૦૨૨ સુધીમાં ખુલ્લો મુકી દેવાય તેવી સંભાવના છે.

૨૦૨૫-૨૬ સુધીમાં સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની મહત્તમ કેપેસિટી ૧૮ મિલિયન પેસેન્જર પ્રતિ વર્ષ સુધી પહોંચી જશે અને તેની સાથે જ જૂના એરપોર્ટને વિસ્તૃત કરવાનો કોઈ વિકલ્પ પણ નથી રહ્યો હોય જેથી ધોલેરામાં નવું એરપોર્ટ વિકસાવવું જરૂરી બન્યું છે. ટૂંક સમયમાં જ SPV (સ્પેશિયલ પર્પઝ વ્હિકલ)ની રચના કરવામાં આશે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલે કહ્યું કે પેસેન્જર્સમાં સતત થઈ રહેલા વધારાને પગલે વહેલું કે મોડું નવા એરપોર્ટની જરૂર પડશે જ. ડોમેસ્ટિક પેસેન્જર્સમાં વધારો નોંધાયો છે અને આ મામલે દેશમાં કોલકાતા પછી અમદાવાદ બીજા નંબર પર છીએ ઉપરાંત ઈન્ટરનેશનલ પેસેન્જર્સમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી જે.એન સિંહે AAIના મુખ્ય અધિકારીઓ, AAIના ચેરમેન ગુરુપ્રસાદ મોહપત્રા અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે, “ધોલેરામાં સંયુક્ત રીતે ન્યૂ અમદાવાદ એરપોર્ટ બનાવવા માટે એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા(AAI) સહમતી દર્શાવી છે.” પ્રોજેક્ટ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યા મુજબ રાજ્ય સરકાર ધોલેરા ખાતે ૫૦૦૦ MW સોલાર પાર્કની સાથે ન્યૂ અમદાવાદ એરપોર્ટનું કામ શરૂ કરે તેવી અપેક્ષા છે. પહેલા તબક્કામાં ધોલેરા એરપોર્ટ બનાવવા પાછળ ૧૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો થઈ શકે છે, જો કે આ પ્રોજેક્ટ પાછળ ટોટલ ૨૧૦૦ કરોડનો ખર્ચો થઈ શકે છે.

સિંહે કહ્યું કે ન્યૂ અમદાવાદ એરપોર્ટની સાથો સાથે ગુજરાત સરકાર ન્યૂ રાજકોટ એરપોર્ટ પણ વિકસાવશે, આગામી પાંચ વર્ષમાં રાજકોટ એરપોર્ટ વિકસાવવાની પણ જરૂરિયાત જણાશે. રાજકોટ એરપોર્ટ દ્વારા સૌરાષ્ટ્રના પેસેન્જર્સ સગવડ પૂરી પાડવામાં આવશે જ્યારે ધોલેરા ખાતેના એરપોર્ટથી અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પેસેન્જર્સને સગવડ પૂરી પાડવામાં આવશે.

જે.એન. સિંહે કહ્યું કે ધોલેરા એરપોર્ટ માટે જરૂરી ક્લિયરન્સ મળી ગયું હોવાથી ટૂંક સમયમાં જ ડેવલપમેન્ટ કાર્ય શરૂ થઈ જશે. સૂત્રોએ જણાવ્યા મુજબ વધુમાં ગુજરાત સરકારે રાજકોટ એરપોર્ટને વિકસાવવાની પ્રપોઝલ પણ મૂકી છે, જો કે રાજકોટ એરપોર્ટ મીડિયમ સાઈઝમાં હશે. જેને સૌરાષ્ટ્રના પેસેન્જર્સને ધ્યાનમાં રાખીને ડેવલપ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *