પાછલા ત્રણ વર્ષથી પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા OBC અનામત માટે આંદોલન કરવામાં આવી રહ્યા છે અને રાજ્ય સરકાર પર યેનકેન પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાટીદાર સમાજના ઉત્તર ગુજરાતના એક જૂથ દ્વારા હવે કાયદાના માર્ગે પણ સરકાર પર પ્રેશર બનાવવાનું શરુ કરવામાં આવ્યું છે. આ માટે આ જૂથ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યું છે. તેમજ પાટીદાર સમાજને OBC અંતર્ગત સમાવવા માટે જરુરી તમામ કાર્યવાહી ઝડપી પૂર્ણ કરવા માટે અપીલ કરી છે. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેના કડવા પાટીદારો દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકાર અને OBC કમિશનને નિર્દેશ આપે કે પાટીદારોને OBCમાં સમાવવા માટે જરુરી સામાજીક અને શૈક્ષણિક પછાત સ્થિતિ અંગે સર્વેની કામગીરી ઝડપી ધોરણે પૂરી કરવામાં આવે.હાઈકોર્ટમાં પાટીદાર સમાજની આ અપીલને લિસ્ટેડ કરવામાં આવી છે અને હાલ ઉનાળુ વેકેશન પડી ગયું હોવાથી વેકેશન બાદ 12 જૂનના રોજ જસ્ટિસ એ.જે. શાસ્ત્રી સમક્ષ સુનાવણી નક્કી કરવામાં આવી છે. પાટીદારોને અનામત મામલે પાટીદાર સમાજમાં જ બે જૂથ પડી ગયા હતા. હાર્દિક પટેલની આગેવાની ધરાવતી પાટીદાર અનામત આંદોલન સમિતિ(paas) દ્વારા અનામત માટે કાયદાની પ્રક્રિયાના આ રસ્તાનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે આંદોલન દ્વારા જ અનામત મળી શકે છે. જ્યારે બીજા જુથે આ મામલે કાયદેસરના પગલા ભરતા કમિશન પાસે અરજી મોકલી હતી અને હવે હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવવામાં આવ્યો છે.