બ્ર્રિટીશ કોમેડિયન અને સ્ક્રીન પ્લે લેખક સારા બેરોન કોહેન ઓસ્કાર, ગોલ્ડન ગ્લોબ અને એમી જેવા એવોર્ડ માટે નોમીનેટ થઇ ચુક્યો છે. કોહેન તેની સ્ક્રિપ્ટ સાથેના સ્ટેન્ડ અપ કોમેડી શોમાં ”સિલિકોન વેલી સિક્સ”ને વિશ્વની શાંતિ માટેના ઘાતક વ્યક્તિઓ ગણાવી ભારે વ્યંગ કરવા સાથે ચાબખા લગાવતી સ્પીચ પણ સામેલ કરી દે છે. સિલિકોન સિક્સમાં તે ફેસબુકના માર્ક ઝકરબર્ગ, ગુગલના સુંદર પીચાઈ, લેરી પેજ, યુ ટયુબની સી ઈ ઓ સુસાન વોજસ્કી અને ટવીટરના સ્થાપક તેમજ સી ઈ ઓ જેક ડોઉસીનો સમાવેશ કરે છે. તેનું કહેવું છે કે આ તમામ ટેકનોક્રેટ જીનીયસ છે અને ધારે તો પૃથ્વીને જીવવા લાયક બનાવા સમર્થ છે પણ કમનસીબે તેઓનાં માનસમાં એ હદે વ્યાપારી વૃત્તિ અને ગ્રાહકવાદ ભારોભાર ભરેલો છે કે સૃષ્ટિમાં અંધાધૂંધી અને અરાજકતા ફેલાય તો પણ તેઓનું રૂંવાડું ફરકે તેમ નથી.