મા કાર્ડ હેઠળ ખાનગી હોસ્પીટલોમાં રૂા.50 હજાર સુધીની ખર્ચ સરકાર

ગુજરાત સરકારે અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ હેઠળ કોરોના દર્દીઓની સરકારી ખર્ચે સારવાર કરવા લીધેલા નિર્ણય નકકી કરવામાં આવેલા નિયમોના આધારે રાજકોટ શહેર તથા જિલ્લામાં દર્દીઓને રૂા.50 હજાર સુધીની સારવારનો ખર્ચ સરકાર ચુકવશે.

મહાપાલિકા અને જિલ્લા આરોગ્ય અધિકારીને આરોગ્ય કમિશ્નરનો પત્ર મળી જતા ચાર્જથી માંડી સારવાર અંગેની મહત્વની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરમાં 12જેટલી હોસ્પિટલમાં મા કાર્ડ માન્ય છે જયાં કોરોના દર્દીઓની નિયમ મુજબ સારવાર કરવા મહાપાલિકા સૂચના મોકલશે તેમ જાણવા મળ્યું છે. ગઇકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોર કમીટીની મીટીંગ મળી હતી.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ લોકોને કોવિડ-19 હેઠળ સારવાર સહેલાઇથી મળી રહે તે માટે યોજના અંતર્ગત જોડાયેલા તમામ સરકારી, ટ્રસ્ટ, ગ્રાન્ટેબલ અને ખાનગી દવાખાનાઓને લોકોને પ્રતિ દિન સારવાર આપવા ખર્ચ પેટે રૂા.પાંચ હજાર સરકાર ચુકવશે અને તેની મહતમ મર્યાદા રૂા.50 હજાર રહેશે. કોઇપણ દર્દી દાખલ થાય એટલે રૂા.50 હજારની મર્યાદામાં આ કાર્ડ હેઠળ સારવારનો ખર્ચ સરકાર ભોગવશે.

વધુમાં વધુ પ્રતિદિન રૂા. પાંચ હજારનો ચાર્જ નકકી કરાયો છે તે પ્રમાણે 10 દિવસ દર્દી ફ્રી સારવાર લઇ શકશે. તો રૂટીન વોર્ડમાં રોજનો રૂા. બે હજારનો ચાર્જ આપવામાં આવશે. નોંધણી, ઓનલાઇન દાવાની મંજૂરી પ્રક્રિયા સોફટવેરમાં કરવાની થશે. દવા, ઇન્જેકશન, નિદાન,જમવાનું, કસ્તસલ્ટીંગ અને નર્સિંગ ચાર્જ, આઇસીયુ, વેન્ટીલેટરના ચાર્જ તેમાં સામેલ છે. દર્દીને એક વખત સીટી સ્કેન અને આરટી-પીસીઆર ટેસ્ટ માટે મંજૂરી લેવાની રહેશે આ તમામ સારવાર મફત અપાશે. આ સારવાર તા.10 જુલાઇ, 2021 સુધી દાખલ થનાર દર્દીઓ માટે માન્ય રહેશે. 10 દિવસની સારવારમાં તમામ દવાનો પણ ખર્ચ સામેલ છે. આ રીતે શહેર અને જિલ્લામાં કોરોના દર્દીઓને પ0 હજાર સુધીની સારવાર વિનામૂલ્યે શરૂ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *