ભારતના હવામાન વિભાગની વિસ્તૃત આગાહી મુજબ ચોમાસું સામાન્ય સમયે 1 જૂન આસપાસ કેરળ પહોંચશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રાજીવને જણાવ્યું હતું કે, ભારત હવામાન વિભાગ (IMD) 15 મી મેના રોજ ચોમાસાની સત્તાવાર આગાહી રજૂ કરશે.એક ટ્વિટમાં તેમણે કહ્યું “Monsoon 2021 અપડેટ: ભારતના હવામાન વિભાગની વિસ્તૃત આગાહી મુજબ, કેરળમાં 1 જૂન આસપાસ ચોમાસુનું આગમન થશે. આ પ્રારંભિક આગાહી છે. ભારત હવામાન વિભાગની સત્તાવાર ચોમાસાની આગાહી 15 મેના રોજ અને વરસાદને લગતી આગાહી 31 મેના રોજ જાહેર કરવામાં આવશે.”
ઉત્તર ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. આ સમય દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલી ખાતે વરસાદ નોંધાઈ શકે છે. રાજયમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાઈ હતી જ્યાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે આગામી 4થી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી રહેતા દિવસ દરમિયાન લોકોને ગરમી સહન કરવી પડશે.