મુન્દ્રા-માંડવી તાલુકામાં મુન્દ્રા પોર્ટ અને સેઝ માટે ૫ કરોડ ૫ લાખ ૧ હજાર અને ૯૭૭ ચો.મી. જમીન વેચાણ આપી
ગુજરાતના વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે ૨૭ માર્ચના રોજ અમુક પ્રશ્ન કર્યા હતા. જેમાં તેમણે મુન્દ્રા અને માંડવી તાલુકામાં મુન્દ્રા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માટે ફાળવવામાં આવેલી સરકારી પડતર જમીન અંગે મહેસૂલ મંત્રી પાસે માહિતી માગી હતી. જેના જવાબમાં મહેસૂલ મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે, સરકારે કચ્છ જિલ્લામાં મુન્દ્રા અને માંડવી તાલુકામાં મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માટે ૫ કરોડ ૫ લાખ ૧ હજાર અને ૯૭૭ ચોરસ મીટર જમીન વેચાણ આપી છે.
શૈલેષ પરમાર જણાવ્યું હતું કે,સરકાર ખાનગી કંપનીઓને પાણીના ભાવે જમીન આપે છે, પાંચ ઉદ્યોગપતિની ભાજપ સરકારે મુન્દ્રા પોર્ટ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. માટે અદાણી કંપનીને 5 કરોડ 5 લાખ 1 હજાર અને 977 ચો.મી. જમીન 2 રૂપિયા પ્રતિ ચો.મી.થી લઈ 34 રૂ. પ્રતિ ચો.મી.ના ભાવે વેચાણ આપી દીધી છે. ગરીબોની હામી હોવાની વાત કરતી ભાજપ સરકાર ગરીબોને ઘરથાળ માટેના પ્લોટ ફાળવવામાં ઠાગાઠૈયા કરે છે, બીજી બાજુ કરોડોની જમીન ખાનગી કંપનીઓને પાણીના ભાવે વેચી રહી છે.