વડોદરા માં વાડી મૈરાળના ગણપતિ મંદિર પાસેના યુવાનો અને ગાજરાવીડી કુંભારવાળાના યુવાનો વચ્ચે ધુળેટીના દિવસે મારામારી થઇ હતી. જેની અદાવતમાં સોમવારે મોડી રાત્રે કુંભારવાડાના એક યુવાનની તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા સનસનાટી મચી ગઇ હતી. દરમિયાન મધ રાત્રે મૃતક યુવાનનું જૂથ વાડી મૈરાળ ગણપતિ મંદિર પાસે હુમલાખોરોને શોધવા માટે ધસી આવ્યું હતું. પરંતુ, હુમલાખોરો ન મળતા તેઓએ પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા.
વડોદરા ના વાડી વિસ્તારમાં ચકચાર જગાવી મૂકનાર આ ઘટનાની વિગત એવી છે કે, સોમવારે રાત્રે વાડી કુંભારવાડામાં રહેતો અને ખારી-સિંગ ચણાની દુકાન ધરાવતો વિકી કિશોરભાઇ કનોજીયા (ઉં.વ.30) મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. દરમિયાન 5 થી 6 જેટલા હુમલાખોરો તલવાર જેવા મારક હથિયારો સાથે ધસી આવ્યા હતા. અને ક્રિકેટ રમતા વિકી કનોજીયાના માથામાં તલવાર તથા અન્ય તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા.હત્યારાઓએ તલવાર તેમજ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાતા વીકી કનોજીયા સ્થળ પર ઢળી ગયો હતો. તુરતજ સાથી મિત્રો તેણે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, હોસ્પિટલમાં તેણે સારવાર આપવામાં આવે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું.
મળેલી માહિતી પ્રમાણે વીકીનું મોત નીપજતા રોષે ભરાયેલા સ્થાનિક યુવાનો મધરાત્રે હુમલાખોરોને શોધવા માટે વાડી મૈહરાળ ગણપતિ મંદિર પાસે ધસી આવ્યા હતા. પરંતુ, હુમલાખો ન મળતા તેઓ વિસ્તારમાં પાર્ક કરેલી કારોની તોડફોડ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવે રાત્રે વિસ્તારમાં ઉત્તેજના ફેલાવી દીધી હતી.
મોતને ઘાટ ઉતરેલા વિકીના ભાઇ સની કનોજીયાએ જણાવ્યું હતું કે, ધુળેટીના દિવસે વાડી મૈહરાળ ગણપતિ મંદિર પાસે રહેતો ધવલ પવાર અને મારા ભાઇ વચ્ચે ઝઘડો થયો હતો. જે અદાવતમાં સોમવારે રાત્રે રાજુ પવાર, ધવલ પવાર, વિશાલ પવાર, અક્ષય બોરાડે, જીગ્નેશ બોરાડે અને ઇશાન યાદવ તલવાર જેવા મારક હથિયારો સાથે કુંભારવાડામાં ધસી આવ્યા હતા. અને મારા ભાઇ વીકી ઉપર જીવલેણ હુમલો કરતા તેનું મોત નીપજ્યું છે. વાડી વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે પાણીગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.