લાંબા સમય સુધી શહેરમાં જળવાઇ રહેલી શાંતિ બાદ આજે રાત્રે વડોદરાના હાથીખાના વિસ્તારમાં અચાનક જ બે કોમના ટોળાં વચ્ચે પથ્થરમારો થયો હતો. રામનવમી નિમીત્તે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન ટોળાં આમને સામને આવી જતાં ભારે પથ્થરમારો થયો હતો. ફતેપુરા કુંભારવાડાથી ચાંપાનેર દરવાજા વિસ્તાર સુધીના રસ્તા પર ઉશ્કેરાયેલા ટોળાએ દસથી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી, જયારે બેથી ત્રણ દુકાનો અને બેથી ત્રણ ગલ્લાઓમાં પણ તોડફોડ કરી હતી.તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા.
તોફાનીઓને કાબુમાં લેવા પોલીસે 14 જેટલા ટિયર ગેસના સેલ છોડયા હતા.તોફાનના પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ખડકલો કરી દેવાતાં મામલો શાંત પડયો હતો. જો કે રાત્રે મચ્છીપીઠ અને ન્યાયમંદિર વિસ્તારમાં પણ કાંકરીચાળો થયો હોવાની અફવા ફેલાઇ હતી. જેના પગલે આ બંને િવસ્તારમાં પણ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પરીિસ્થતિ કાબુમાં આવ્યા બાદ સમગ્ર ચાર દરવાજા િવસ્તારમાં પોલીસ દ્વારા ઘનિષ્ઠ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
શહેરમાં ફતેપુરા ખાતે રામનવમી િનમિત્તે રવિવારના રોજ સાંજે નીકળેલ શોભાયાત્રા વખતે અચાનક કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. જેમાં બે જૂથો સામસામે આવી જતાં ભારે પથ્થરમારો થયો હતો. અચાનક થયેલા પથ્થરમારાના કારણે ચાંપાનેર દરવાજા પાસે રોડ પર પથ્થરની ચાદર પથરાઇ ગઇ હતી. એકાએક શરૂ થયેલા પથ્થરમારાના કારણ ત્રણ પોલીસ કર્મીઓને ઇજાઓ પહોંચી હતી જ્યારે તોફાનીઓને િવખેરવા માટે પોલીસે ટિયર ગેસનો સહારો લીધો હતો. આમ છતાં તોફાનીઓએ કેટલાંક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું.