લગ્ન કે અન્ય કોઇ પ્રસંગમાં વધેલી એંઠી અને દાળ-શાકના ડાઘાવાળી મીઠાઇ ફરી ઉત્પાદન કેન્દ્રમાં રિ-સાઇકલ કરીને સપ્લાય કરવાનું એક મોટુ નેટવર્ક ચાલતુ હતું
રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ નજીક ખોડિયાર ડેરીફાર્મના નામથી ચાલતા મીઠાઇના ઉત્પાદન કેન્દ્રમાંથી ૪૬૮૦ કિલો જેટલો અખાદ્ય માલ પકડાયો હતો. દિવસો જુની મીઠાઇઓ સંગ્રહ કરી પકડાવી દેવાતી હતી. સૌથી વધુ ચોંકાવનારી હકીકત એ સામે આવી હતી કે, લગ્ન કે અન્ય કોઇ પ્રસંગમાં વધેલી એંઠી અને દાળ-શાકના ડાઘાવાળી મીઠાઇ ફરી ઉત્પાદન કેન્દ્રમાં રિ-સાઇકલ કરીને સપ્લાય કરવાનું એક મોટુ નેટવર્ક ચાલતુ હતું. આ ઉપરાંત ઉત્પાદન કેન્દ્રમાં ગંદકી, આરોગ્યના ધારાધોરણોનું પાલન પણ થતુ ન હતુ.
મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ અને સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફ દ્વારા માહિતીના આધારે ખાનગી માં વોચ ગોઠવવામા આવી હતી અને પગેરુ મનહર સોસાયટી શેરી નં.૯માં મહેશ છગનભાઇ લીંબાસિયાની માલિકીના આવેલા ખોડિયાર ડેરીફાર્મમાં નીકળતા મંગળવારે ખુલતી બજારે જ સવારે દરોડો પાડવામા આવ્યો હતો. અહીં મીઠાઇ બનાવવા ઉપરાંત કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ પણ થતો હતો. સંગ્રહાયેલી મીઠાઇ દિવસો જુની હતી. આવી અખાદ્ય સામગ્રીમાં ૧૬૦૦ કિલો મીઠા માવાના લાગા, રાજભોગ અને કેસર ફ્લેવરનો ૧૨૦૦ કિલો શ્રીખંડ, પ્રસંગોમાં વધેલા અને એઠા હોય તેવા આવેલા અલગ અલગ વેરાયટીની મીઠાઇના ૫૦૦ જેટલા કટકા મળી આવ્યા હતા. આ તમામ માલનો નાશ કરવામા આવ્યો હતો. વેપારી મહેશ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મીઠાઇના નમુના લઇને લેબોરેટરીમાં મોકલી અપાયા છે.