અહી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ભડકો થયો છે.અને રવિવારે રાજસ્થાનમાં સાદા પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૯ ને વટાવી ગયો હતો જ્યારે ડીઝલ રૂ. ૯૧ ની ટોચે પહોંચી ગયો છે. રવિવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૨૯ પૈસા અને ડીઝલમાં ૩૨ પૈસાનો વધારો થયો હતો.અને આ વધારાના પગલે ઈંધણના ભાવ મોટાભાગના શહેરોમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.અને કોરોના મહામારીમાંથી બહાર આવી રહેલા વિશ્વમાં ક્રૂડ ઓઈલની માગમાં અભૂતપૂર્વ ઊછાળાના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધતાં ભારતમાં સરકારી ઓઈલ કંપનીઓ પણ ઈંધણના ભાવમાં સતત વધારો કરી રહી છે.
દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૮.૭૩ અને પ્રીમિયમ પેટ્રોલ રૂ. ૯૧.૫૬ જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૭૯.૦૬ અને પ્રીમિયમ ડીઝલ રૂ. ૮૨.૩૫ થયો હતો. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ. ૮૫.૯૫ અને ડીઝલનો ભાવ રૂ. ૮૫.૧૪ થયો હતો. દેશમાં ઈંધણ પર સૌથી વધુ વેટ વસૂલતા રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ સૌથી વધુ છે. શ્રીગંગાનગરમાં સાદુ પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૯૯.૨૯ અને ડીઝલ પ્રતિ લીટર રૂ. ૯૧.૧૭ના સ્તરે પહોંચી ગયું છે. પેટ્રોલના રીટેલ ભાવમાં ૬૧ ટકાથી વધુ અને ડીઝલના રીટેલ ભાવમાં ૫૬ ટકાથી વધુ ટેક્સ છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર એક્સાઈઝ ડયુટી સ્વરૂપે પ્રતિ લીટર રૂ. ૩૨.૯૦ અને ડીઝલ પર પ્રતિ લીટર રૂ. ૩૧.૮૦ વસૂલે છે. માર્ચ ૨૦૨૦ પછી પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૧૯.૧૬ અને ડીઝલ પ્રતિ લીટર રૂ. ૧૬.૭૭ વધ્યા છે.
રાજસ્થાન સરકારે ગયા મહિનાના અંતમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં બે ટકાનો ઘટાડો કર્યો હતો. તેમ છતાં રાજસ્થાનમાં પેટ્રોલ પર સૌથી વધુ ૩૬ ટકા અને ડીઝલ પર સૌથી વધુ ૨૬ ટકા વેટ લાગુ છે. શ્રીગંગાનગરમાં પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૧૦૨.૧૭ અને પ્રીમિયમ ડીઝલ રૂ. ૯૪.૮૩ના સ્તરે પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલ રૂ. ૯૫.૨૧ અને ડીઝલ રૂ. ૮૬.૦૪ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. શહેરમાં પ્રીમિયમ પેટ્રોલ રૂ. ૯૭.૯૯ અને ડીઝલ રૂ. ૮૯.૨૭ થયા છે. દેશમાં સતત છ દિવસમાં પેટ્રોલમાં પ્રતિ લીટર રૂ. ૧.૮૦ અને ડીઝલમાં પ્રતિ લીટર રૂ. ૧.૮૮નો ભાવવધારો થયો છે. મહારાષ્ટ્રના પરભણીમાં રવિવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૦૦ને પાર ગયો છે. રવિવારે સવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૨૮ પૈસાનો વધારો થયો હતો. પરભણીમાં સાદા પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૭.૩૮ અને પ્રીમિયમ પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦.૧૬ થયો હતો.
ઈંધણના ભાવ આકાશને આંબદા વિપક્ષે સરકારની ટીકા કરી હતી અને તેના પર સામાન્ય માણસ પરનો બોજો ઘટાડવા ટેક્સમાં કાપ મૂકવા માગણી કરી હતી. જોકે, ઓઈલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગયા સપ્તાહે સંસદમાં કહ્યું હતું કે, ઈંધણના ભાવ વિક્રમી સ્તરે હોવા છતાં તેના ભાવ ઘટાડવા એક્સાઈઝ ડયુટીમાં કાપ મૂકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.
આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા એક વર્ષમાં પહેલી વખત ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૬૧ યુએસ ડોલરને આંબી ગયો છે. કોરોના પછી વૈશ્વિક અર્થતંત્રો લોકડાઉનમાંથી ખૂલી રહ્યા છે અને ખાસ કરીને દુનિયામાં ક્રૂડ ઓઈલના સૌથી મોટા આયાતકાર ચીનમાં તેની માગમાં જબરજસ્ત વધારો આવી રહ્યો છે. તેથી ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. આ સપ્તાહના અંતિમ દિવસે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૬૨ ડોલરની મનોવૈજ્ઞાનિક સપાટીને પાર કરી ગયો હતો.