ગુજરાતમાં દારૂ મામલે ભાજપ સરકારની નીતિ બેધારી રહી છે. એક તરફ, ગાંધીના ગુજરાતને દારૂના દૂષણથી મુક્ત બનાવવાના નામે કરોડો રુપિયાનું આંધણ કરીને ખૂબ પ્રચાર કરી રહી છે. તેમજ ગુજરાતમાં દારૂબંધીનો કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યા હોવાના દાવાઓ કરે છે. તો બીજી તરફ સરકાર સ્ટાર હોટલ્સ-રિસોર્ટને દારુના પરવાનાની લ્હાણી કરી રહી છે. આવી જ એક પરવાનગીવાળી હોટલ દ્વારા પરમીટમાં આવતી દારૂની બોટલોને ગેરકાયદે વેંચવામાં આવતી હોવાનું કૌભાંડ ઝડપાયું છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના એસજી હાઈવે પર આવેલ હોટલ મેરિયોટ માંથી ગેરકાયદે દારૂનું વેંચાણ થતું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.
હોટલ મેરિયોટમાંથી ગેરકાનૂની દારૂનું વેચાણ થતું હતું, મેરિયોટ હોટલ દ્વારા પરમીટમાં આવતા દારૂનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે તપાસ હાથ ધરતા ૧૦૦થી ૧૫૦ જેટલી વિદેશી દારૂની બોટલ ગેરકાયદેસર રીતે વેચાઈ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલો સેટેલાઈટ પોલીસને ધ્યાને આવતા પોલીસે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, સરકારની દારૂ મુદ્દે બેધારી નીતિ રીતસરની આ આંકડાઓ પરથી છતી થાય છે. ગાંધીના ગુજરાતમાં પ્રવાસનના વિકાસના નામે રાજ્યમાં ૫૫ જેટલી હોટલોમાં દારૂ વેચવાની પરમિટ આપી દેવામાં આવી છે. એકબાજુ સરકાર દારૂ માટે કડક કાયદો બનાવવાની વાતો કરે છે, તો બીજી બાજુ દારૂ વેચવા અને દારૂ પીવા માટે ખુલ્લેઆમ લોકોને પરવાનગી આપતી હોવાનું જણાઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર હોટલ્સમાં રૂપિયા ૨૭.૫૯ કરોડનો વિદેશી દારૂ-બિયર વેચાયો છે. જ્યારે ૨૦૧૭ સુધીમાં ૧૫,૪૦૭ લોકો દારૂનો પરવાનો ધરાવે છે. બે વર્ષમાં પરમીટ ધારકોની સંખ્યામાં 2756નો વધારો થયો છે. ગુજરાતમાં કુલ ૧૫,૪૦૧ લોકો પાસે દારૂની પરવાનગી મળેલ છે. જેમાં સુરત-૪૮૫૪, અમદાવાદ-૩૩૯૧, રાજકોટ-૧૫૯૮, વડોદરા-૯૮૭, કચ્છ-ભૂજ-૮૫૯ લોકો આલ્કોહોલની પરવાનગી ધરાવે છે.