પ્રજાની સુરક્ષા માટે રાત-દિવસ કામ કરતી પોલીસને કન્ટ્રોલ રૂમ માં બે-પાંચ કે પચ્ચીસ-પચ્ચાસ નહીં 1264 વખત ફોન કરીને ગાળો આપનાર શખ્સ ને આખરે ઝડપી લેવાયો છે. પત્ની જતી રહી હોવાથી પરેશાન ‘સનકી’ સિક્યુરિટી ગાર્ડ આ પહેલાં એમ્બ્યુલન્સના ઈમરજન્સીના 108 નંબર ઉપર ફોન કરી પરેશાની સર્જવા બદલ પકડાયો હતો. શહેરના પોલીસ કન્ટ્રોલ રૂમના કર્મચારીઓ છેલ્લા કેટલાક દિવસોથી બે મોબાઈલ નંબર ઉપરથી ફોન કરતાં ‘કોલર’થી પરેશાન હતાં.પોલીસ મદદ માટે ફોન આવ્યાં હશે તેમ માનીને રિસીવ કરાતાં ફોનમાંથી ગાળોનો વરસાદ વરસતો હતો. આખરે, કન્ટ્રોલ રૂમ DCP એચ.આર. મુલિયાણાને આ અંગે જાણ કરાઈ હતી. સમજાવટના પ્રયાસો સફળ ન રહેતાં આખરે આ અજાણ્યા શખ્સ સામે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે ઈલેક્ટ્રોનિક સર્વેલન્સની મદદથી નારોલ, મટન ગલીમાં આવેલી ગોપી નામની ફેક્ટરીમાં કાર્યરત સિક્યુરિટી ગાર્ડને ઝડપી લીધો હતો.
ઈશ્વરભાઈ ઝેણાભાઈ ભોઈ નામનો 40 વર્ષનો સિક્યુરિટી ગાર્ડ તેની પાસે રહેલા બે સીમકાર્ડનો દુરૂપયોગ કરી પોલીસ કન્ટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર 100 ઉપર ફોન કરીને ગાળો બોલતો હતો. ઈશ્વર ભોઈની ધરપકડ કરી પોલીસે તપાસ કરતાં એવી વિગતો ખુલી છે કે, થોડા વર્ષ પહેલાં તેની પત્ની તેને છોડી ગઈ છે. ત્રણ વર્ષ પહેલાં આ શખ્સ 108ને ફોન કરી પરેશાની ઊભી કરતાં પકડાયો હતો.