અમદાવાદના આશ્રમરોડ પર ગૂજરાત વિદ્યાપીઠ પાસે શુક્રવારે આંગડિયા પેઢીના એક કર્મચારીની હત્યા કરીને લૂંટ કરવામાં આવી હતી.આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે.આ ગુના માટે પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી ત્રણ ઉત્તર પ્રદેશ અને એક આરોપીની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી છે. આ ઉપરાંત તેમણે હીરા અને દાગીના સહિત લૂંટનો માલ પણ જપ્ત કરી લીધો છે.
આંગડિયા અંબાલાલ હરગોવનદાસ પેઢીમાં સુરત, મુંબઈ, વડોદરાથી આવેલા પેકેટમાં મોટાભાગે હીરા,માણેક અને મોતી હતાં. બે થેલામાં આ પેકેટ લઈને અરવિંદભાઈ ઉત્તર ગુજરાતના શહેરોમાં જવાના હતા ત્યારે લૂંટ થઈ હતી.
લૂંટમાં વપરાયેલી બાઈક અમદાવાદ ના મેઘાણીનગરમાંથી ચોરાઈ હતી
આશ્રમ રોડ ઉપર આંગડિયા કર્મચારી ની ફાયરિંગ કરી હત્યા અને લૂંટની ઘટનામાં વપરાયેલી બે પૈકીની એક બાઈક ચાંદલોડીયા વિસ્તારમાંથી મળી આવી હતી. મેઘાણીનગરના ન્યુ મેન્ટલ બારી રોડ ઉપર બાબુસીંગ તોમરની ચાલીમાં રહેતા અને કારખાનામાં નોકરી કરતાં ભરતકુમાર રમણલાલ પ્રજાપતિની બાઈક તા. 15ના રાત્રે તેના ઘર પાસે પાર્ક કરેલી હતી ત્યાંથી ચોરાઈ હતી. રાત્રે ચોરેલી બાઈકમાં આવી લૂંટ ચલાવાઈ હતી. લૂંટની ઘટના બાદ તા. 16ના સાંજે મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોંધી છે. જો કે, ભરતભાઈએ પહેલાં જ પોલીસને બાઈક ચોરીની જાણ કરી હતી.