રેશનિંગની દુકાનેથી અપાતાં ગરીબો માટેના અનાજના જથ્થામાં રૂ. ૧૨,૧૨૦ કરોડનું અનાજ માફિયાઓ અને કાળા બજારિયાં ચાઉં કરી ગયા છે, ગરીબોના મોઢાનો કોળિયો ભાજપ સરકારની મીઠી નજર તળે નકલી અંગૂઠા મારીને કમ્પ્યૂટરો ખાઈ જાય છે તેવો ગંભીર આરોપ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો, તેમણે આ સમગ્ર પ્રકરણમાં તપાસની માગ સાથે ગરીબોના મોઢાનો કોળિયો ખાનારાને ફાંસીના માંચડે ચડાવી દેવા માગ કરી હતી.
વિરોધ પક્ષના નેતાએ કહ્યું હતું કે, રામાયણના પાઠ શીખવનારા મોરારીબાપુના તલગાજરડામાં, મહામંડલેશ્વર ભારતી બાપુના નામે ખાંભા તાલુકાના વાંકિયા ગામે, ભક્તિરામ બાપુ જેરામભાઈ ગોંડલિયાના નામે સાવરકુંડલામાં, ભાજપના સુરતના સાંસદના નામે, વસંત ગજેરા જે ઉદ્યોગપતિ છે આ બધા બીપીએલ કાર્ડધારકો છે. આ તમામના નામે દર મહિને નિયમિત અંગૂઠો લાગે છે અને ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન ઉપડી જાય છે. ગુજરાતમાં ગરીબોના અનાજમાં આ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે, નામાંકિત વ્યક્તિઓના નામે ખોટા રેશનકાર્ડ બનાવી દર મહિને અનાજનો જથ્થો ઉપાડવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો કે, ભાજપ સરકાર દ્વારા આધાર કાર્ડના ડેટા લીક કરવાથી આજે અનાજનો જથ્થો બારોબાર ઉપડે છે, ભવિષ્યમાં ફિંગર પ્રિન્ટના આધારે બેંકોમાંથી પણ બારોબાર નાણાં ઉપડી જશે. અનાજ કૌભાંડને પગલે રાજ્યભરમાં ગરીબોને અનાજ મળતું ન હોવાની ફરિયાદો ઊઠી છે. રાજ્યમાં ૨૫ ટકા જેટલો જથ્થો ખોટી રીતે ઊપડે જાય છે તેને જોતાં ૪૮ હજાર કરોડ જેટલી સબસિડી સાથે કુલ ૧૨,૨૧૦.૨૪ કરોડ અનાજ માફિયાઓ ચાંઉ કરી ગયા છે.
અનાજ કૌભાંડમાં પોલીસ તપાસ ચાલુ : સરકાર
વિપક્ષના આક્ષેપોના જવાબમાં મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે, અનાજમાં ગેરરીતિ આચરવામાં આવી છે તે પ્રકરણમાં પોલીસની તપાસ ચાલી રહી છે. સરકાર કોઈને પણ છોડવા માગતી નથી. હવે આગામી દિવસોમાં ગ્રાહકોની આંખો સાથે મેચિંગ કરીને અનાજ અપાય તેવા પ્રોજેક્ટ પર સરકાર કામ કરવાની છે.