પેથાપુર ભાજપમાં નગરપાલિકાના 18 નગરસેવકોના રાજીનામાં પડ્યા

પેથાપુર નગરપાલિકામાં ભાજપના સભ્યોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગુજરાતની ભાજપ સરકારે ગાંધીનગરના કચરાના નિકાલ માટે પેથાપુરમાં ડમ્પીંગ સાઈટ બનાવવાનો નિર્ણય કરતા નગરસેવકોએ તે અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સરકારની આ નીતિનો વિરોધ વ્યક્ત કરીને નગરપાલિકાના ભાજપના 18 જેટલા નગરસેવકોએ રાજીનામાં આપ્યાં છે. મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે કચરના નિકાલ માટે પેથાપુરમાં ડમ્પીંગ સાઈટ બનાવવાનો નિર્ણય કર્યો જે વિરોધનું કારણ બન્યો. ભાજપના સભ્યોએ ભેગા થઈને આ નિર્ણય સામે નગરપાલિકાની કચેરીમાં મંગળવારે વિરોધ વ્યક્ત કર્યો.

આ મુદ્દે પણ રાજકારણ જોવા મળ્યું. કોંગ્રેસના ધારાસભ્ય સી. જે ચાવડા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ રાજીનામા આપનારા નગરસેવકોને ખુલ્લુ સમર્થન આપ્યું અને વિરોધમાં હાજર રહ્યાં. વિધાનસભામાં કોંગ્રેસના સભ્ય સી.જે.ચાવડાએ ડમ્પીંગ સાઈટનો મુદ્દો ગૃહમાં ઊભો કરવાની ખાતરી પણ આપી છે. જો કે નગરસેવકોએ પક્ષાપક્ષીના રાજકારણને બાજુએ મૂકીને આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *