રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને યુનિફોર્મમાં નોકરીએ આવવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ શનિવારે આદેશ આપ્યો છે. પોલીસની હાજરી પૂરવાર થાય તેમજ લોકો સાથે થતુ ઘર્ષણ અટકાવવા માટે પોલીસ વડાએ આ નિર્ણય લીધો છે.
ક્રાઈમ, ડીસ્ટાફ અને અન્ય બ્રાન્ચના કર્મીઓને આદેશમાંથી મુક્તિ
ક્રાઈમ બ્રાન્ચ તેમજ અન્ય બ્રાંચમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને યુનિફોર્મમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્યમાં હાલમાં અંદાજે 65 હજાર પોલીસ કર્મચારીઓ છે. પરંતુ મોટા ભાગના સાદા કપડામાં જ પોલીસ સ્ટેશન આવે છે. આ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં પણ સાદા કપડામાં જ જોવા મળતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો ડીજીપી ઓફિસને મળી હતી.
પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતુ કે ફિલ્ડ ઓફિસરો ડ્રેસમાં રહે તે ખૂબ જરૂરી છે. ભૂતકાળમાં પોલીસ સાથે ઘર્ષણના જે બનાવો બન્યા છે તેમાંથી મોટા ભાગના બનાવોમાં પોલીસ ખાનગી કપડામાં હોવાનું પૂરવાર થયુ હતુ. તેમજ પોલીસ ડ્રેસમાં હોય તો તેની હાજરની નોંધ લેવાય છે.