કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીમાં સુશાંતસિંહ રાજપૂતને 2 માસ પહેલા દુનિયા અને સિનેમાને યોગદાન આપવા બદલ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. તેની બહેન શ્વેતાસિંહ કિર્તીએ તેનું સર્ટિફિકેટ સ્વીકાર્યું હતું.
એક ખાનગી ચેનલના રિપોર્ટમાં ભારત સરકારના સૂત્રોના હવાલે લખવામાં આવ્યું છે કે, સુશાંતના મૃત્યુએ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. મૃત્યુ પછી તેને જે સન્માન મળી રહ્યું છે તે હયાતીમાં ક્યારેય નથી મળ્યું. આ અસંતુલનતાને યોગ્ય કરવી જોઈએ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મો માટે સરકાર દ્વારા એક અલગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નેશનલ અવૉર્ડ્સ દરમ્યાન તેને સિનેમામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ વિશેષ પુરસ્કાર આપવામાં આવશે.
સુશાંત સિંહ રાજપૂતની 5 વર્ષની ટેલિવિઝન કારકિર્દી અને 6 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં નેશનલ અવૉર્ડ કે ફિલ્મફેર અવૉર્ડ મળ્યો નથી. સુશાંત સિંહ રાજપૂતને ફક્ત બે સ્ક્રીન અવૉર્ડ મળ્યાં છે. આ ઉપરાંત વર્ષ 2017માં ફિલ્મ ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ માટે મેલબર્નમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો હતો. તે સિવાય ‘એમ.એસ.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ અને ‘કાઈ પો છે’ માટે ફિલ્મફેર અને આઈફામાં નોમિનેટ થયો હતો.
સુશાંત સિંહ રાજપૂતને જીવતા જીવ જેટલો પ્રેમ અને સન્માન મળ્યું છે તેના કરતા તેના મૃત્યુ પછી તેને વધુ પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. સુશાંત સિંહ રાજપૂતને મરણોપરાંત વધુ એક ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન કરવામાં આવશે. ‘દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવૉર્ડ્સ 2021’માં અભિનેતાનું સન્માન કરવામાં આવશે. આ વાતની જાહેરાત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઓફિસિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી કરવામાં આવી છે. જોકે, હજુ અવૉર્ડની તારીખ જાહેર કરવામાં નથી આવી.