ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હોવા છતાં જૂની વીએસ હોસ્પિટલ શરૂ ન કરાતા વધુ એક PIL

અમદાવાદ શહેરની સૌથી જૂની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને શરૂ કરવાના ગુજરાત હાઈકોર્ટના હુકમ છતાં હોસ્પિટલ ચાલુ ન કરાતા વધુ એક PIL કરાઈ છે. PIL માં રજૂઆત કરાઈ છે કે, VS હોસ્પિટલ ગરીબોની સારવાર કરનારી હોસ્પિટલ છે, તેને ફરીથી ચાલુ કરવાને બદલે કોર્પોરેશન તેને તોડી પાડવાની ફિરાકમાં છે. જો VS હોસ્પિટલ તોડી પડાશે તો હજારો ગરીબ દર્દીઓ રઝળી પડશે. હાઈકોર્ટ આ હોસ્પિટલને તૂટતી બચાવવા હુકમ કરે તેવી માંગ અરજીમાં મગાઈ છે.

ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ હાઈકોર્ટમાં VS હોસ્પિટલ શરૂ કરવા વધુ એક PIL કરી છે. PILમાં જણાવ્યું છે કે, 700થી વધુ બેડની સુવિધા ધરાવતી વાડીલાલ સારાભાઇ હોસ્પિટલને કોર્પોરેશન દ્વારા તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુલાઈમાં મળેલી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં કેથલેબનું બિલ્ડિંગ તોડવા ઠરાવ કરવામાં આવ્યો છે. શહેરની 80 લાખની વસતી સામે શહેરની સૌથી મોટી જૂની હોસ્પિટલને તોડી પાડવાનો નિર્ણય અયોગ્ય અને ગેરબંધારણીય છે. સમાનતાનો અધિકાર ગરીબો માટે પણ બંધારણમાં મળ્યો છે. આથી તેમને વાજબી ભાવે સારી હેલ્થ કેર અને મેડિકલ કેર મળે તે જોવાની જવાબદારી સરકારની છે.

અરજદારે એવી દલીલ કરી છે કે દરેક નાગરિકને સામાજિક ન્યાય મળવો જોઇએ તે તેનો મૂળભૂત બંધારણીય અધિકાર છે. બંધારણની કલમ 39(ઇ) હેઠળ સરકારની ફરજમાં આવે છે કે નાગરિકોને એકસમાન આરોગ્યલક્ષી સેવાઓ મળી શકે. સરકારે VS હોસ્પિટલ બચાવવાના બદલે તોડી પાડવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *