કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સરકારની આકરી ટીકા કરી હતી. પ્રિયંકા ગાંધીએ જણાવ્યુ કે, યોગીજી તમે સરકારે કરેલા કામની ઝડપની વાત ન કરો, રાજ્યમાં ગુનાની ઝડપ જુઓ અને કાયદો તથા વ્યવસ્થા ફરી સ્થપાય એની તકેદારી રાખો.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર ટ્વિટ કરી કહ્યું કે ઉત્તર પ્રદેશમાં છેલ્લા 48 કલાકમાં હત્યાની બાર ઘટના ઘટી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વીટર પર કહ્યું કે યોગી સરકાર વારંવાર અપરાધોની ઘટના પર પરદો ઢાંકી દે છે. પરંતુ અપરાધો ચીસો પાડતાં ઉત્તર પ્રદેશના રસ્તા પર તાંડવ કરી રહ્યા છે. યોગી સરકારને અપરાધો ઘટાડવાનો સમય નથી. પોતાની સરકારે કરેલાં કાર્યોની વાત કરે છે પરંતુ કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે એ વિશે એક શબ્દ ઉચ્ચારતા નથી. યોગી સરકારનાં કામની ઝડપ કરતાં ગુનાની ઝડપ વધારે છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વીટમાં રવિવાર અને સોમવારે ઉત્તરપ્રદેશમાં થયેલા વિવિધ અપરાધોની વિગતો એક ચાર્ટ દ્વારા આપી હતી જેમાં ફક્ત બે દિવસમાં થયેલી બાર હત્યાની વિગતોનો પણ સમાવેશ કર્યો હતો. પ્રિયંકા ગાંધીની આ ટ્વીટને સોશ્યલ મિડિયા પર જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. રવિવારે ગોરખપુરમાં એક માતા પુત્રની હત્યા થઇ હતી. જૌનપુરમાં ત્રણ હત્યાની ઘટના ઘટી હતી. પ્રયાગરાજમાં ડબલ મર્ડર થયાં હતાં, ઉન્નાવમાં એક મહિલાની લાશ મળી હતી, બરેલીમાં એક બાળકની હત્યા થઇ હતી, ચિત્રકૂટમાં એક મજૂરની હત્યા થઇ હતી અને મુઝફ્ફરપુરમાં પણ એક હત્યા થઈ હતી. વારાણસીમાં સામૂહિક બળાત્કારની ઘટના બની હતી.