સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવા બદલ લો-ગાર્ડનનું નેશનલ હેન્ડલૂમ સીલ

અમદાવાદ શહેરમાં રવિવારે ફરી મોલ અને ખાણીપીણી બજારમાં પબ્લીક ઉમટી પડી હતી. કોરોના મહામારીને ભૂલીને ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા હતા. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ રવિવારે લો-ગાર્ડન ખાણીપીણી બજાર અને આસપાસના વાણિજ્ય એકમોમાં દરોડા પાડયા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવા બદલ લો-ગાર્ડન પાસે આવેલ નેશનલ હેન્ડલૂમને સીલ કરવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનની જારી કરેલી ગાઈડલાઇનમાં સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો છતાં કેટલાંક વાણિજ્ય એકમો તેનું પાલન કરતાં નથી. મ્યુનિસિપલના અધિકારીઓએ લો-ગાર્ડન વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીં રવિવારની રજા હોવાથી ભારે ભીડ ઉમટી હતી. ખાસ કરીને લો-ગાર્ડન રોડ ઉપર ભરાતાં ખાણીપીણી બજાર અને ચણિયાચોળી માર્કેટ આગળ ભારે ભીડ જામી હતી. જેથી આખો રોડ બંધ કરવામાં આવ્યો હતો પછી લો-ગાર્ડન નેશનલ હેન્ડલૂમ અને પુફીઝા રેસ્ટોરેન્ટને સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ સીલ કરી કરવામાં આવ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલે આ પહેલાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ આંબાવાડીના સેન્ટ્રલ મોલ અને વસ્ત્રાપુરના આલ્ફાવન મોલને પણ સીલ કર્યા હતા. જોકે, દર રવિવારે વિવિધ બજારોમાં ભારે ભીડ જોવા મળે છે. મ્યુનિ. રવિવારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે વધારે પ્રયત્નો કરવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *