કોરોના મહામારી વચ્ચે ચાલુ વર્ષે પ્રથમ વખત મંગળવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોલીસ કોન્ફરન્સનું આયોજન થયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ સંબોધતા પોલીસને ગુનેગારો સામે સખ્તાઈથી કામ કરવાનું જણાવ્યુ હતું. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં ગુનાખોરીને ડામવા પોલીસ કમિશનરોને સીએમ રૂપાણીએ ટકોરો પણ કરી છે. પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદમાં રૂપાણીએ ક્રાઈમ રેટ વધે નહી તેની કાળજી લેવા તાકીદ કરી હતી. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ અને રાજ્ય પોલીસ વડાની હાજરીમાં તેમણે જણાવ્યુ હતું કે, નાગરિક હિતના કામો-કાયદો વ્યવસ્થાના પાલનમાં હિમ્મતપૂર્વક પોલીસ આગળ વધે, સરકાર ક્યારેય રોકશે નહી. કોરોના વોરિયર્સ તરીકે નાગરિક મિત્ર તરીકે કામગીરી કરનાર પોલીસની પ્રસંશા કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ અધિકારીઓને પોતાના જિલ્લામાં કન્વીકેશન રેટ વધે તે માટે નાસતા આરોપીઓ, લાપતા બાળકો, પ્રોહિબિશન સહિતના ગુનાઓના ઉકેલ માટે ઝુંબેશ ઉપાડીને લક્ષ્યાંક આધારિત કાર્યવાહી તેજ બનાવવા સૂચના આપી હતી. પોલીસ દળમાં નવી ભરતીમાં જે યુવાનોનો આવ્યા છે તે ટેકનોસેવી છે અને તેમની સેવાઓ સાઇબર ક્રાઈમ, વિશ્વાસ, સાઇબર આશ્વસ્ત પ્રોજેક્ટ જેવા ગુનાઓના નિવારણ અને તપાસમાં લેવા પણ સૂચના આપી હતી.