ભારત અને નેપાળે સરહદ વિવાદની વચ્ચે 9 માસ બાદ આજે પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં હિમાલય વિસ્તારમાં ભારતની મદદથી ચાલતી યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશો વચ્ચે નેશનલ હાઈવે બનાવવા, ઈન્ટીગ્રેટેડ ભન્સાર ચોકી અને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આગળ વધારવા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. નેપાળ તરફથી વિદેશ મંત્રાલયના સચિવ શંકર દાસ બૈરાગી જોડાયા હતા. ભારતીય પક્ષની આગેવાનીમાં નેપાળમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા જોડાયા હતા.
નેપાળના વડાપ્રધાન કેપી શર્માએ એક દિવસ અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચિત કરી તેમને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. ભારતમાં નેપાળના રાજદૂત નીલાંબર આચાર્યએ પણ સોમવારે ભગવાન રામ અને બુદ્ધના મુદ્દા વિશે બંને દેશો વચ્ચે ઉભા થયેલા મનભેદની પણ ચર્ચા કરી હતી.
ભારતમાં નેપાળના રાજદૂત નીલાંબર આચાર્યએ જણાવ્યુ હતું કે ભગવાન રામ અને બુદ્ધ બંને દેશોના ભાગલા પાડતા નથી પરંતુ જોડે છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે ભગવાન રામ નેપાળના છે. જ્યારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ભગવાન બુદ્ધ ભારતમાં થયા હોવાનું કહેતા નેપાળના વિદેશ મંત્રીએ વાધો ઉઠાવ્યો હતો.
નેપાળના રાજદૂત નીલાંબર આચાર્યએ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારત-નેપાળના વિદેશ મંત્રાલય ભગવાન રામ અને બુદ્ધના નિવેદનો વિશે સ્પષ્ટતા કરી ચૂક્યા છે. આપણે બંને ભગવાન રામ અને બુદ્ધમાં વિશ્વાસ રાખીએ છીએ. એ વાત પણ માનીએ છીએ કે બુદ્ધનું જન્મસ્થાન લુંબિની છે. રામ અને બુદ્ધ સહિતની વાતો આપણને દૂર કરતી નથી પરંતુ નજીક લાવે છે. આપણે આ મુદ્દાઓ બાબતે કોઈપણ જાતનો વિવાદ ન ઉઠાવવો જોઈએ.
આ રીતે શરૂ થયો હતો વિવાદ
ભારતે તેનો નવો રાજકીય નકશો 2 નવેમ્બર 2019ના રોજ બહાર પાડ્યો હતો. આ અંગે નેપાળે વાધો ઉઠાવ્યો હતો અને કાલાપાની, લિંપિયાધુરા અને લિપુલેખ વિસ્તારને પોતાનું ક્ષેત્ર ગણાવ્યું હતું. આ વર્ષે 18 મેંના રોજ નેપાળે આ ત્રણેય વિસ્તારને સામેલ કરતા તેનો નવો નકશો બહાર પાડ્યો હતો. નેપાળે આ નકશાને તેના બંને ગૃહમાં પાસ કરાવ્યો હતો. ત્યારબાદ ભારત અને નેપાળ બંને દેશો વચ્ચેનો તણાવ વધી ગયો. મે-જૂનમાં નેપાળે ભારત સાથે જોડાયેલ સરહદો પર સૈનિકોની વધારી દીધી હતી. બિહારમાં ભારત-નેપાળ સરહદ પર નેપાળના સૈનિકોએ ભારતના સૈનિકો પર ગોળીબાર કર્યો હતો.