ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેંન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. કેપ્ટન કુલ તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્સાગ્રામ પર પોસ્ટ કરીને પોતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું કે, તમારા પ્રેમ અને સમર્થન માટે ખુબ આભાર. આજે સાંજે 7.29 વાગ્યાથી મને રિટાયર સમજવામાં આવે. આ પોસ્ટ સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વિડિયો માં ધોનીએ તેની આખી મુસાફરીનો એક વીડિયો શેર કર્યો
મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ટીમમાં ક્રિકેટ રમવાની શરૂઆત વર્ષ 2004માં બાંગ્લાદેશ સામેની મેચમાં કરી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ 350 વનડે માં 10773 રન, 90 ટેસ્ટમાં 4876 રન, અને 98 T-20 માં 1617 રન બનાવ્યા છે. તે ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં અત્યાર સુધીમાં 190 મેચોમાં 4432 રન બનાવ્યા છે. તેની કેપ્ટનશીપ હેઠળ CSK એ 2010 અને 2011માં સતત બે વાર IPLનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ 2 વર્ષના પ્રતિબંધ પછી કમબેક કરતા 2018માં પણ ચેમ્પિયન બન્યું હતું. MS ધોનીએ વનડે માં 10 સદી અને ટેસ્ટ મેચ માં 6 સદી ફટકારી છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની પ્રથમ મેચ સૌરવ ગાંગુલી ની કેપ્ટન્સી હેઠળ 23 ડિસેમ્બર 2004 ના રોજ બાંગ્લાદેશ સામે ચટગાંવમાં રમી હતી. સૌરવ ગાંગુલીએ પોતાની જગ્યાએ MS ધોનીને નંબર 3 પર બેટિંગ કરવા માટે મોકલ્યો હતો. જો કે, આ શ્રેણીમાં એમએસ ધોની નિષ્ફળ રહ્યા હતા. તેમણે ત્રણ વન ડેમાં ફક્ત 19 રન બનાવ્યા હતા, પરંતુ તે પછીની શ્રેણીમાં પાકિસ્તાન સામેની મેચમાં 123 બોલમાં 148 રનની જબરદસ્ત ઇનિંગ રમીને ટીમના સૌથી વિશ્વાસપાત્ર ખેલાડી બન્યા હતા.
મહેન્દ્ર સિંહ ધોની છેલ્લે વિશ્વકપ 2019ની સેમિફાઇનલમાં માન્ચેસ્ટર ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમ્યા હતા. આ મેચ દરમિયાન તેમણે 72 બોલમાં 50 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ સામે 240 રનનો પીછો કરતા તે માર્ટિન ગુપ્ટીલના થ્રો દ્વારા રનઆઉટ થયા હતા. તે 2 ઇંચ માટે રન પૂરો નહોતા કરી શક્યા. અને ભારત આ મેચ હારી વર્લ્ડ કપની બહાર થયું હતું. ચાહકો પણ દુઃખી હતા અને ધોની પણ ભારી હૈયે પેવેલિયન ગયા હતા.