હૈદરાબાદમાં 1100 કરોડ રૂપિયાના ઓનલાઇન ફ્રોડના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ અંગે 4 લોકો સહીત એક ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ બુધવારે દિલ્હીથી આ 4 લોકોની ધરપકડ કરી ગુરુવારે સાંજે હૈદરાબાદ પહોંચી હતી. આ રેકેટને ચીનની કંપની ચલાવી રહી હતી.
હૈદરાબાદના પોલીસ કમિશ્નર અંજની કુમારે જણાવ્યું કે, બે વ્યક્તિએ એક ઓનલાઇન ગેમિંગ વેબસાઈટ વિરુદ્ધ છેતરપિંડી કર્યો હોવાની ફરિયાદ દાખલ કરવી હતી. તેમનો આરોપ હતો કે વેબસાઈટે તેમની પાસેથી 97 હજાર અને 1લાખ 64 હજાર રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી હતી.
પોલીસે આ સમગ્ર ઘટના મામલે ચીનના એક નાગરિક યા હાઓની ધરપકડ કરી છે. તે Linkyun એપના સાઉથ ઇસ્ટ એશિયાનો ઓપરેશન હેડ હતો. તેના ત્રણ સાથી ધીરજ સરકાર, અંકિત કપૂર અને નીરજ તુલી દિલ્હી ઈ-વોલેટ કંપની ડૂકીપેના ડિરેક્ટર હતા.
ઓનલાઇન ગેમ્બલિંગ ચાઈનીઝ ગેમિંગ કંપની ‘બેઇજિંગ ટી પાવર કંપની’ દ્વારા ચલાવવામાં આવી રહી હતી. આ માટે અલગ-અલગ કંપનીઓ બનાવવામાં આવી હતી. પોલીસ દ્વારા અત્યાર સુધી રૂપિયા 1000 કરોડના ટ્રાન્જેક્શનનો ખુલાસો કરવામાં આવ્યો છે. આમાંથી મોટાભાગના ટ્રાન્જેક્શન લોકડાઉનના સમય દરમિયાન કરવામાં આવ્યા છે.
ઓનલાઇન ગેમ્બલિંગ કલરની આગાહી દ્વારા આચરવામાં આવી રહ્યું હતું. કલર પ્રિડિક્શન ગેમ એક એવી એપ્લિકેશન છે, જેમાં એક કલર પર રૂપિયા લગાવવામાં આવે છે. પછી એક કલર અથવા કલર કોમ્બિનેશનની આગાહી કરવામાં આવે છે. જો આપની આગાહી સાચી પડે, તો આપ રૂપિયા જીતી જાવ છો.
પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે બેઇજિંગ ટી પાવર નવી કંપનીઓ બનાવતું હતું. તેમાં જોડાયેલા મેમ્બરો સાથે ઓનલાઇન ગેમ્બલિંગ કરવામાં આવતું હતું. તેમાં પેમેન્ટ અલગ-અલગ ઈ-પેમેન્ટ ગેટવેજ દ્વારા લેવામાં આવતું હતું.