ગુજરાતમાં સ્વતંત્રતા દિનના એક દિવસ પહેલા જથ્થાબંધ ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાની ઘટનાનો ATSએ પર્દાફાશ કર્યો છે. પાટણમાંથી જથ્થાબંધ ડ્રગ્સ ઝડપાયું છે. રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર હતું. ગુજરાત ATS એ બાતમીના આધારે દરોડા પાડીને જથ્થા બંધ ડ્રગ્સ અને અફીણને ઝડપી 4 આરોપીની ધરપકડ કરી હતી.
પાટણના સિદ્ધપુર હાઈવે પર આવેલી ફેમસ હોટલ પરથી ગુરુવારે સાંજે ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. હોટલની બહાર ઉભી રહેલી ગાડીમાં રાખવામાં આવેલ MD ડ્રગ્સ અને અફીણનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઝડપાયેલ 4 આરોપીઓની પૂછપરછ કરી જરૂરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે દરોડા પાડ્યા બાદ જથ્થાબંધ ડ્રગ્સને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની (FSL) ટીમ દ્વારા તપાસ કરાતા MD ડ્રગ્સ અને અફીણ હોવાનું બહાર આવ્યું હતું. ATS PI એમસી નાયક, ક્રાઈમ બ્રાન્ચ પી.આઇ નિખિલ કુમાર બ્રહ્મભટ્ટ, પીઆઇ દર્શન બારડ વગેરેએ 20 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે દરોડા પાડ્યા હતા. હોટેલ ખાતે આ જથ્થાની ગણતરી મોડી રાત સુધી ચાલુ રહી હતી.