દિલ્હીનો ભયાનક મોસ્ટ વોન્ટેડ આરોપી જ્યોતિપ્રકાશ ઉર્ફે બાબા સાંગવાનની દિલ્હી પોલીસે સુરતથી ધરપકડ કરી હતી. આ મોસ્ટ વોન્ટેડ આરોપી પર રૂપિયા 1 લાખ નું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ આ ગુનેગાર છેલ્લા 3 મહિનાથી ગુજરાતમાં નામ બદલીને રહેતો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે સુરતમાં હાઇવે પાસે આવેલ હોટેલ માઠી ધરપકડ કરી હતી.
દિલ્હી સ્પેશિયલ સેલના ડેપ્યુટી કમિશનર મનીષ ચંદ્રાના જણાવ્યા અનુસાર, જ્યોતિપ્રકાશ ઉર્ફે બાબા સાંગવાન તેના ભાઇ સાથે મળી ગેંગ ચલાવતો હતો. તેમની ગેંગ ઉપર મકોકા પણ લગાવાયો હતો. હત્યાથી લઇને અનેક ગુનામાં સંડોવાયેલો જ્યોતિપ્રકાશ એક વર્ષ પહેલાં હરિયાણાની કોર્ટમાંથી વચગાળાની પેરોલ પર બહાર આવ્યો હતો ત્યારબાદ તે નાસી છૂટ્યો હતો.
છેલ્લા 1 વર્ષથી તે હરિયાણાના લીકર માફિયાઓના સંપર્કથી ભાગતો ફરતો હતો. 6 મહિના તે નેપાળમાં છુપાયો હોવાની પણ વિગતો સામે આવી હતી. છેલ્લા 3 મહિનાથી તે જૂનાગઢના બુટલેગર ધીરેનની મદદથી જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદ વિસ્તારમાં છુપાયો હતો અને ધીરેનની ડમી કાર વાપરતો હતો. સુરતમાં હાઇવે પર આવેલ એક હોટેલમાં તે નામ બદલીને રોકાયો હોવાની માહિતી મળતા દિલ્હી પોલીસે ઓપરેશન પાર પાડી તેને દબોચી લીધો હતો. તેને આશ્રય આપનાર ધીરેન કારીયા સુરતની જેલમાં હોવાનું ડેપ્યુટી કમિશનર મનીષ ચંદ્રાએ જણાવ્યુ હતું.
સુરતમાંથી દિલ્હી પોલીસ ઝડપી ગઈ તેને લઇને સ્થાનિક પોલીસ અંધારામાં રહી હતી. અને દિલ્હીનો આરોપી સુરત માં ક્યાથી પકડાયો તે જાણવાનો પ્રયત્ન સુરત પોલીસે કર્યો હતો.