અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત દ્વારા અમદાવાદ જનમાર્ગ લિ.(બીઆરટીએસ) કંપનીએ ગત સપ્ટેમ્બર ૨૦૧૯માં કેન્દ્ર સરકારની સબસિડી વિનાની ૩૦૦ ઈ-બસોની ખરીદી કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. ત્યારબાદ તેનો વર્ક ઓર્ડર પણ આપી દીધો હતો તે સમયે ભાજપના સત્તાધીશો અને વિપક્ષ દ્વારા અમલદારો ઉપર સવાલ ઉઠાવ્યા હતા કે સબસિડી વિનાની બસો કેમ ખરીદાઇ રહી છે. તેમજ સબસિડી વિનાની ઈ-બસો ખરીદી કરવાથી મ્યુનિસિપલની તિજોરીને ૨૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આખરે આજે અમદાવાદ મ્યુનિસિપલ તંત્રએ કોરોનાની વૈશ્વિક મહામારીના ધ્યાનમાં લઈને ટેન્ડરના ‘FORCE MAJEURE’ની શરતનો ઉપયોગ કર્યો હતો.અને ૩૦૦ ઈ-બસોનું ટેન્ડર રદ કરી દેવાયું હતું. મ્યુનિસિપલના જણાવ્યા અનુસાર, આ ટેન્ડર રદ થવાથી ૧૦ વર્ષમાં મ્યુનિ.ને ૧,૦૦૦થી ૧,૨૦૦ કરોડની નાણાકીય જવાબદારીનું ભારણ ઘટશે.
અમદાવાદ મ્યુનિસિપલ તંત્રએ જાહેરાત છે કે, મ્યુનિ. દ્વારા કરેલા જુદા જુદા કોન્ટ્રાક્ટસ્ તથા એસવીપી પ્રોજેક્ટ જેવા કે, સ્માર્ટ સિટી, બીઆરટીએસ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત FORCE MAJEURE (અનિશ્ચિતતા)ના ક્લોઝનો અમલ તા.૨૫ માર્ચ ૨૦૨૦થી લાગુ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. FORCE MAJEUREના ક્લોઝનો અમલ કરવાથી શહેરમાં વિવિધ પ્રોજેક્ટનો અભ્યાસ કરી જનસુખાકારી અને લોકોપયોગી આવશ્યક કામગીરીને પ્રાથમિકતા આપવાથી મ્યુનિ.ના એસવીપી પ્રોજેક્ટસ એવા અમદાવાદ જનમાર્ગ લિ. અને સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટના કામો તેમજ અમદાવાદ મ્યુનિ. તથા અન્ય વિવિધ પ્રોજેક્ટના બીજા અન્ય કામો સ્થગિત કરવામાં આવશે. જેનાથી અંદાજિત ૧,૦૦૦થી ૧,૨૦૦ કરોડ રૂપિયાની નાણાકીય ભારણ ઓછું થાય તેમ છે. જ્યાં સુધી CESSATION OF FORCE MAJEUREનો અન્ય પરિપત્ર ન થાય ત્યાં સુધી FORCE MAJEUREની પરિસ્થિતિ યથાવત્ રહેશે. જેને અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા વખોતોવખત રિવ્યૂ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૯માં અમદાવાદ જનમાર્ગ લિમીટેડની બોર્ડની બેઠકમાં ૩૦૦ ઈ-બસોનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. આ કામનું ટેન્ડર તાતાને અપાયું હતું પણ આ ૩૦૦ ઈ-બસો ઉપર કેન્દ્ર સરકારની એકપણ રૂપિયો સબસિડી મળવાની ન હતી કે પછી રાજ્ય સરકાર ગેપ ફંડિંગ કરવાની ન હતી. જે વખતે એએમટીએસના ચેરમેને વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષના નેતાએ પણ આ મુદ્દે મ્યુનિ.ના સત્તાધીશો સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો. આ મુદ્દે સામાન્ય સભામાં પણ ભારે હોબાળો થયો હતો.ત્યારબાદ FORCE MAJEUREના ક્લોઝ હેઠળ ૩૦૦ ઈ-બસો ખરીદી કરવાનું ટેન્ડર રદ કરી દેવાયું છે. આ ટેન્ડરમાં ૩૦૦ ઈ-બસોની ખરીદી સાથે તેમના ૧૦ વર્ષના ઓપરેશન મેઇન્ટેનન્સનું ટેન્ડર હતુ જેમાં પ્રતિ કિ.મી. ઓપરેશન કોસ્ટ રૂ.૬૧ રાખવામાં આવી હતી. કેન્દ્ર સરકારની પ્રતિ બસ રૂ.૪૫ લાખની સબસિડી ગુમાવવી પડી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનમાર્ગ લિમિટેડની બોર્ડની બેઠકમાં એક મહિનામાં માત્ર ૧૦ દિવસના સમયગાળામાં બે ટેન્ડરો મંજૂર કરાયા હતા જેમાં ૬૦૦ ઈ-બસોની ખરીદી સાથે ઓપરેશન-મેન્ટેનન્સનું કામ સોંપાયું હતું પણ આશ્ચર્યની વાત એ હતી કે, પહેલાં ૩૦૦ ઈ-બસોની ખરીદી કરાઈ હતી જેમાં સબસિડી મળવાની ન હતી. જ્યારે ૧૦ દિવસ પછી વધુ ૩૦૦ ઈ-બસોનું ટેન્ડર કરાયું હતું જેમાં સબસિડી મળવાની હતી. જેથી માત્ર ૧૦ દિવસના વિલંબમાં પડેલી ગોઠવણથી તો ભાજપના સત્તાધીશો પણ ઘૂંઆપૂંઆ થઈ ગયા હતા. ભારે વિવાદ થયો હતો.