અમદાવાદમાં સ્થિત આશ્રમ રોડ પર એચ.કે કોલેજ સામે આવેલ વિજય સેલ્સનો ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો શો રૂમ રાત્રી કરફ્યુ હોવા છતાં પણ ખુલ્લો રાખવામાં આવતા નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો છે. રાત્રિ કરફ્યુ અને રાતે 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવા અંગે જાહેરનામું હોવા છતાં શોરૂમ ખુલ્લો રાખવામા આવ્યો હતો. નવરંગપુરા પોલીસે આ મામલે શશાંક મોદી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
કોરોના મહામારી ને લઇ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની ગાઈડલાઇન અનુસાર રાત્રિના 10 વાગ્યા બાદ કરફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ રાતે 8 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી છે. નવરંગપુરા પોલીસ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન રાતે 10.45 વાગ્યે આશ્રમ રોડ પર એચ.કે કોલેજની સામે પહોંચતા વિજય સેલ્સ નામનો ઈલેક્ટ્રોનિક શોરૂમ ચાલુ હતો. જેથી પોલીસકર્મીઓએ દુકાન ચાલુ રાખવા અંગે દુકાનમાં હાજર શશાંક મોદીને પૂછપરછ કરી હતી ત્યારબાદ પોલીસ કર્મીઓએ આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.