કોર્ટમા છુટાછેડાના કેસો લડતા વકીલે પરિણીતા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. વકીલે ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આખરે પોલીસે ગુનો નોંધી વકીલ પર બળાત્કારની ધારા લગાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
કોર્ટમાં લોકોના કેસ લડનારા પ્રભાત ડોક્ટર વકીલ છે. આ વકીલ મેટ્રોપોલિટન કોર્ટમા વર્ષોથી પ્રેકટીસ કરે છે. યુવતીએ તેનો છૂટાછેડા નો કેસ વકીલ પ્રભાત ને સોંપ્યો હતો. 24 વર્ષની યુવતી પોતાના પતિ સાથે છૂટાછેડા માંગતી હોવાથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો પરંતુ વકીલે છૂટાછેડા કરાવવાના બદલે તેણે મહિલા સાથે જ બળાત્કાર ગુજાર્યો અને તે બળાત્કારના વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર બળાત્કાર કરવા લાગ્યો. જેથી મહિલાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.
યુવતી સાથે બળાત્કાર અને યૌન શોષણની શરૂઆત 2019ના જૂન મહિનાથી થઈ હતી. પ્રથમ વખત આરોપી વકીલ મહિલાને કેસના જરૂરી દસ્તાવેજ લેવાના બહાને ઘરે લઈ ગયો. ત્યારબાદ પ્રસાદી રૂપે પેંડો ખવડાવી મહિલા બેભાન થયા બાદ બળાત્કાર ગુજાર્યો હતો.ત્યારપછી તે વકીલ મહિલાને બ્લેકમેલ કરી અલગ અલગ હોટલમાં લઈ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા.
રાણીપ પોલીસે આ વકીલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી વકીલની અટકાયત કરવામાં આવી છે. જોકે આરોપી વકીલનો કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવામા આવશે અને આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરી કાયદેસર ના પગલાં લેવામાં આવશે.