હવાઈ મુસાફરી કરનારા લોકો માટે એર ઈન્ડિયાનું નામ જરાય અજાણ્યું નહીં હોય. આ માત્ર એક કંપની જ છે એવું નથી. પરંતુ પોતાને બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરનારું એવું નામ છે કે જેમાં મુસાફરી કરવાની કદાચ દરેકની ઈચ્છા રહી હશે. જો કે છેલ્લા એક દાયકામાં કંપનીને મોટુ નુકસાન થયું અને પરિણામ એ આવ્યું કે આજે આ કંપની દેવાના ડુંગર નીચે દટાયેલી છે. 2014માં આવેલી મોદી સરકારે કંપનીની દશા સુધારવાની દિશામાં પગલું લીધુ અને તેનુ ખાનગીકરણ કરીને દેવામાંથી બહાર કાઢવા માટે પ્લાન તૈયાર કર્યો. રોકાણ પ્રક્રિયા દ્વારા પ્રાઈવેટ કંપનીઓને ભાગીદારી વેચીને ‘મહારાજા એરલાઈન’ને બચાવવાની કોશિશ કરવામાં આવી. પરંતુ 3 વર્ષ વીતવા છતાં કોઈ ખરીદાર મળ્યો નથી. હવે આ કંપની બંધ થવાની કગાર પર પહોંચી ગઈ છે. હાલાત એવા છે કે જો આગામી કેટલાક મહિનાઓમાં રોકાણ પ્રક્રિયા પૂરી ન કરવામાં આવી તો મજબૂર થઈને એર ઈન્ડિયાને બંધ કરવી પડશે.