– ડિફોલ્ટ થયેલી લોનના ગેરંટરોના પાસપોર્ટ જપ્ત કરવાની તજવીજ
– બેંક લોન લેવા સહી કરનારા ગેરંટરો કૌભાંડમાં સામેલ હશે તો તેમના પર પણ દેશ છોડવા પર પ્રતિબંધ મૂકાશે
ભારત માં બેંકો પાસેથી લોન લઈને છેતરપિંડીના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ભારત સરકાર અચાનક હરકતમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે ૯૧ બેંક ડિફોલ્ટરની એક યાદી કરી છે, જે તમામને ટૂંક સમયમાં દેશ નહીં છોડવાનો આદેશ કરવામાં આવે એવી શક્યતા છે.આ તમામ ૯૧ ડિફોલ્ટર બેંકો સાથે લોન લઇને ડિફોલ્ટર જાહેર કરાયેલા છે. આ તમામ યાદીમાં મોટા ભાગના લોકો કોઇ કંપનીના માલિકો કે ઉચ્ચ અધિકારીઓ પણ છે, જેમણે કંપનીઓ વતી બેંકો પાસેથી લોન લઇને ચૂકવવાની દરકાર કરી નથી. જે લોકો લોન ચૂકવવા સક્ષમ હોવા છતાં ભરપાઇ કરી રહ્યા નથી. વિલફૂડ ડિફોલ્ટર તરીકે કેન્દ્ર સરકારે આશરે ૪૦૦ કંપનીની યાદી તૈયાર કર્યાના અહેવાલ છે.
નાણા મંત્રાલયના પ્રવક્તા ડી.એસ. મલિકે જણાવ્યું હતું કે, આ પ્રકારના કૌભાંડીઓને સકંજામાં લેવા કેન્દ્ર સરકારે રૃ. ૫૦ કરોડથી વધુની લોન લેવા ગેરંટર તરીકે સહી કરનારા વ્યક્તિઓની યાદી તૈયાર કરવાનું પણ બેંકોને સૂચન કર્યું છે. એટલું જ નહીં, સરકાર આ લોકોના પાસપોર્ટની વિગતો પણ માગી છે. જો ગેરંટર તરીકે સહી કરનારા લોકો કૌભાંડમાં સામેલ જણાશે તો તેઓ પણ દેશ છોડીને ક્યાંય જઇ નહીં શકે. એચડીએફસી બેંકના સીઈઓ આદિત્ય પૂરીએ પણ કેન્દ્રના નિર્ણયને તાર્કિક ગણાવતા કહ્યું હતું કે, ગેરંટરને દેશ છોડવા નહીં દેવાનો નિર્ણય યોગ્ય છે કારણ કે, ગુનો આચર્યા પછી પત્યાર્પણ માટે પુરાવા જોઈએ જે ઊભા કરવા ઘણાં અઘરા છે.
બેંકો લોકોની થાપણોની રખેવાળ છે. વિજય માલ્યા પછી નિરવ મોદી અને મેહુલ ચોક્સીનું બેંક લોન કૌભાંડ બહાર આવ્યા પછી આમ આદમીમાં મોદી સરકાર સામે ભારે આક્રોશ છે. કદાચ આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ સરકારે આ ડેમેજ કંટ્રોલ શરૃ કર્યું છે. આશરે રૂ. વીસેક હજાર કરોડના બેંક લોન કૌભાંડો બહાર આવ્યા પછી આર્થિક ગુનેગારોને ભીંસમાં લેવા સંસદમાં બિલ પણ પસાર કરવામાં આવ્યું છે.
વિજય માલ્યા અને નિરવ મોદી સહિત ૩૧ ઉદ્યોગપતિ ફરાર : સરકાર બ્રિટીશ સરકાર સમક્ષ પ્રત્યાર્પણ માટેની ૧૬ અરજીઓ પડતર બેંકોને હજારો કરોડનો ચૂનો ચોપડવા સહિતના કૌભાંડોમાં સીબીઆઇ તપાસનો સામનો કરી રહેલા વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી સહિત કુલ ૩૧ ઉદ્યોગપતિઓ વિદેશ ફરાર છે. વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન એમ જે અકબરે આ અંગેની માહિતી આપી હતી. વિદેશમાં ફરાર ૩૧ ઉદ્યોગપતિઓમાં માલ્યા, નિરવ અને મેહુલ ઉપરાંત લલિત મોદી, વિજયકુમાર રવિભાઇ પટેલ, સુનિલ રમેશ રુપાણી, પુશપેશકુમાર બૈદ, સુરેન્દર સિંહ, હરસાહિબ સિંહ, હરલિન કૌર, આશિષ જોબનપુત્રા, નિશલ મોદી, ચેતન જયંતીલાલ સંદેસરા, દિપ્તી ચેતન સંદેસરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બ્રિટશ સરકાર સમક્ષ પ્રત્યાર્પણ માટેની ૧૬ અરજીઓ વિલંબિત છે.