14 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારો ધુરંધર બેટ્સમેન એબી ડિવિલિયર્સે બુધવારે ક્રિકેટને અલવિદા કહી દીધું. તેણે અચાનક ક્રિકેટ છોડવાનો નિર્ણય લેતા સમગ્ર ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું છે. એબીનો સાથી ખેલાડી અને જૂનો મિત્ર ફાફ ડુ પ્લેસિસએ ડિવિલિયર્સના રિટાયરમેન્ટ પર ઈમોશનલ પોસ્ટ કરી. સાઉથ આફ્રિકાનો હાલનો કેપ્ટન પ્લેસિસએ ઈન્સ્ટાગ્રામ પર ડિવિલિયર્સ સાથે ફોટો પોસ્ટ કરીને કેપ્શન આપ્યું,’તારી સાથે રમવાનું મને ખૂબ યાદ આવશે. ક્રિકેટના મેદાન પર આપણી વચ્ચે ઘણી યાદગાર પાર્ટનરશીપ થઈ.આ જાણીને ખૂબ દુ:ખી છું કે આપણે ગ્રીન અને ગોલ્ડ જર્સીમાં સાથે નહીં રમી શકીએ.’ 3 વર્ષનો પ્લેસિસ પોતાના સાથી ખેલાડી એબી ડિવિલિયર્સનો ક્લાસમેટ રહ્યો છે. પ્રિટોરિયાની એક પબ્લિક સ્કૂલમાં બંને સાથે ભણતા હતા. હવે આને કિસ્મત જ કહી શકાય કે બંને નેશનલ ટીમ માટે પણ સાથે-સાથે રમી રહ્યા હતા. પ્લેસિસ અને ડિવિલિયર્સએ ઘણીવાર પોતાની ટીમને સાથે ઈનિંગ રમીને જીતાડી છે.