વિશ્વમાં ‘ક્રિકેટના ભગવાન’ ગણાતા સચિન તેંડુલકરનો આ અંદાજ ભાગ્યે જ તમે પહેલા કદી જોયો હશે. ૪ વર્ષ પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કરિયરની ૨૦૦મી ટેસ્ટ મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ થોડા વર્ષો સુધી IPLમાં રમતા દેખાયા. જો કે સચિન તેન્ડુલકર સામાન્ય લોકો સાથે મુંબઈની ગલીઓમાં ક્રિકેટ રમતાં દેખાશે એવું કદી કોઈએ વિચાર્યું નહીં હોય.
સોશિયલ મીડિયા પર પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મુંબઈની ગલીમાં મુંબઈ મેટ્રોની કન્સ્ટ્રક્શન સાઈટ પાસે છોકરાઓ સાથે ક્રિકેટ રમી રહ્યા છે. સચિને મુંબઈની જ ગલીઓમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. અને એકવાર ફરી તે એ જ રૂપમાં જોવા મળ્યા. સચિને દુનિયાના શ્રેષ્ઠ મેદાન અને પિચ પર ક્રિકેટ રમી છે, પણ આ બાળકોને રમતાં જોઈને પોતાને બેટિંગ કરતા ન રોકી શક્યા.
રવિવારે રાત્રે સચિન મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાંથી પસાર થતા હતા. ત્યારે કેટલાક બાળકોને તેમણે રોડ પર ક્રિકેટ રમતાં જોયા અને તેમની પાસે પોતાની ગાડી રોકી દીધી. ગાડી રોકીને પોતાના સહયોગીને સચિને કહ્યું કે, આ બાળકોને પૂછી શકો કે હું તેમની સાથે બે બોલ રમી શકું છું. સચિનના સહયોગીએ પૂછ્યું કે, અંકલ બે બોલ રમવા માગે છે તો છોકરાઓએ તરત હા પાડી. જ્યારે સચિન ગાડીમાંથી બહાર ઉતર્યા ત્યારે તેમને જોઈને છોકરાઓને ખૂબ આશ્ચર્ય થયું. સચિન તેમની પાસે પહોંચ્યા ત્યારે છોકરાઓએ તેમની સાથે હાથ મિલાયા તો કેટલાંક પગે લાગ્યા.
સચિને છોકરાઓને પૂછ્યું કે શોટ્સ લગાવી શકું કે નહીં?, ત્યાં જ પાછળથી અવાજ આવ્યો કે ગલી ક્રિકેટના નિયમો લાગૂ પડશે. બેટિંગ કરતી વખતે સચિને પહેલા બોલ પર સ્ટ્રેટ ડ્રાઈવ ફટકાર્યો. બીજા બોલને ગ્લાંસ કર્યો, ત્રીજા બોલને લેગ સાઈડ પર રમ્યા. જ્યારે સચિન બેટિંગ કરતા હતા ત્યારે રોડ પરથી બીજી ગાડીઓ અને રિક્ષાઓ પસાર થઈ રહી હતી.
ક્રિકેટ રમ્યા બાદ છોકરાઓએ સચિન તેન્ડુલકરને પૂછ્યું કે, એક સેલ્ફી લઈ શકીએ છીએ. જે બાદ બધાએ સચિન તેન્ડુલકર સાથે સેલ્ફી લીધી. આ દરમિયાન એક વ્યક્તિએ સચિનને કહ્યું કે, તે લોકો હૉટલવાળા છે અને કામ પૂરું કરીને ક્રિકેટ રમે છે. બધા જ છોકરાઓ સચિન સાથે ક્રિકેટ રમીને ખૂબ ખુશ હતા.