ક્રિકેટ જગત ના ભગવાન ગણાતા અને ટીમ ઇન્ડિયાના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે મુશ્કેલ સમયમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વૉર્નર અને કેમરન બૈનક્રૉફ્ટને સમય આપવાની વાત કરી છે. જેમણે બોલ સાથેના છેડછાડ પ્રકરણમાં ભૂલ સ્વીકારી માફી માગી છે.
સચિન તેન્ડુલકરે ટ્વિટર પર જણાવ્યું હતું કે, તેઓને તેમને કરેલા કૃત્ય પર પછતાવો છે, અને તેથી જ તેમને પોતાના કૃત્યોનું કારણ ભોગવવું પડશે. ‘ આપણે તેમના પરિવાર વિશે વિચારવું જોઇએ, કારણકે ખેલાડીઓ સાથે તેમના પરિવારે પણ તેનો સામનો કરવો પડશે. હવે સમય આવી ગયો છે કે આપણે પીછેહઠ કરીએ અને તેમને થોડો સમય આપીએ.
ઓસ્ટ્રેલીયા અને દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમ્યાન બોલ સાથે ટેમ્પરિંગ કરાયા હોવાની તપાસ બાદ સ્મિથ, વોર્નર પર તમામ આંતરાષ્ટ્રિય અને સ્થાનિક ક્રિકેટમાંથી એક વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ કેમરન બેનક્રોફ્ટ પર નવ મહિના પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ઉપરાંત સ્મિથ પર પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યા બાદ તે આગામી એક વર્ષ સુધી ટીમનો કેપ્ટન નહીં બની શકે. પરંતુ વોર્નર આ જવાબદારી ક્યારેય નહીં ભજવી શકે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ આશીષ નેહરા, ગૌતમ ગંભીર અને રોહિત શર્માએ બોલ ટેમ્પરિંગ મામલે મળેલી સજાને લઇને ત્રણેય ખેલાડીઓને સપોર્ટ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સ્ટીવ સ્મિથે ગુરુવારે સિડનીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને સાઉથ આફ્રિકામાં કરેલા બોલ ટેમ્પરિંગની સંપૂર્ણ જવાબદારી લીધી છે અને કહ્યું કે તે ખૂબ જ નિરાશ છે અને આખી જીંદગી તેમને આ ઘટનાનો અફસોસ રહેશે.
નિરાશ સ્મિથ ખચાખચ ભરેલી પ્રેસ કોન્ફરન્સમાં પોતાના પર કાબૂ રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તેની આંખો માંથી વારંવાર આંસુ છલકાઇ આવતા હતાં. સ્મિથ આફ્રિકાથી ઑસ્ટ્રેલિયા પહોંચ્યાં બાદ પાંચ મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં વારંવાર રોતો રહ્યો.