– સ્મિથે કબૂલાત કરી લેતા ચારે તરફથી ભારે ટીકા, વોર્નરે ઉપસુકાની પદ ગુમાવ્યું, બેનક્રોફ્ટે બોલ સાથે ચેડાં કર્યા હતા
ઓસ્ટ્રેલિયન ટીમે જેન્ટલમેનની રમત એવી ક્રિકેટમાં બોલ ટેમ્પરિંગ કરીને તેને કલંકિત બનાવી દીધી છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપ ટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે બોલ સાથે ચેડા કર્યા હોવાનું કબૂલ્યા બાદ સ્ટિવ સ્મિથની સુકાની પદેથી અને ડેવિડ વોર્નરની ઉપસુકાની પદેથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. ચાલું મેચ દરમિયાન કોઈ ખેલાડીની કેપ્ટનશિપ છીનવી લેવામાં આવી હોય તેવી આ ટેસ્ટ ક્રિકેટની સંભવિત પ્રથમ ઘટના છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શનિવારે બનેલી બોલ ટેમ્પરિંગની ઘટનાની તપાસનો આદેશ આપતા રવિવારે જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના બાકી રહેલા બે દિવસ માટે ટિમ પેઈન ટીમનું સુકાન સંભાળશે.
કેપ ટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે શનિવારે બોલ ટેમ્પરિંગની ઘટના સામે આવી હતી. દિવસની રમત પૂરી થયા બાદ સ્મિથે સ્વીકાર્યું હતું કે બોલ ટેમ્પરિંગનું પહેલાથી જ આયોજન કરવામાં આવ્યું હતું. સ્મિથે આ સ્વીકાર્યા બાદ તેની હકાલપટ્ટીની ચર્ચા ચાલી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટર્નબૂલે પણ આ ઘટનાને શરમજનક ગણાવી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વડા જેમ્સ સધરલેન્ડે રવિવારે એક યાદીમાં જણાવ્યું હતું કે સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નર સાથે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ સ્મિથ સુકાની પદ અને વોર્નર ઉપસુકાની પદ છોડવા માટે માની ગયા હતા.
તેમણે કહ્યું હતું કે ત્રીજી ટેસ્ટના બાકીના બે દિવસ માટે ટિમ પેઈન ટીમનો કાર્યકારી સુકાની રહેશે. ત્રીજી ટેસ્ટ મેચ જારી રહેશે અને અમે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સ્મિથ અને વોર્નર પેઈનની કેપ્ટનશિપમાં મેદાનમાં ઉતરશે. સધરલેન્ડે રવિવારે જણાવ્યું હતું કે આ ઘટનાથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટની પ્રતિષ્ઠાને મોટો ધક્કો પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયામાં જ આ ઘટનાની ઘણી ટીકાઓ થઈ રહી છે. વડાપ્રધાન માલ્કમ ટર્નબૂલે પણ આ ઘટનાને વખોડી કાઢી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના હેડ ઓફ ઈન્ટેગ્રિટી ઈયાન રોય અને ટીમ પરફોર્મન્સના વડા પેટ હાવર્ડ તપાસ શરૂ કરવા માટે સાઉથ આફ્રિકા જવા રવાના થઈ ગયા છે.
શરમજનક ઘટના, વિશ્વાસ નથી થતો : ઓસી. પીએમ
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ટર્નબુલે તેમના દેશની ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથ સહિતના ખેલાડીઓ દ્વારા બોલ ટેમ્પરિંગની ઘટનાને શરમજનક ગણાવી છે અને કહ્યું છે કે વિશ્વાસ નથી થતો કે આવું બન્યું છે. ટર્નબુલે કહ્યું કે ‘એક આદર્શ ક્રિકેટ ટીમ આ પ્રકારની ગરબડમાં સંડોવાઈ હોવાનો વિશ્વાસ નથી થતો. મને આઘાત લાગ્યો છે.’ ભૂતપૂર્વ ક્રિકેટર શેન વોર્ને કહ્યું હતું કે ‘મેં કેપટાઉન મેચના ફોટો જોયા. આ અત્યંત દુખદ બાબત છે.’