ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા હાલ વિવાદોમાં ઘેરાઇ ગયો છે. જોધપુરની એક નીચલી કોર્ટમાં હાર્દિક પંડ્યા વિરુદ્ધ FIR નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલો ભારતીય બંધારણના નિર્માતા બીઆર આંબેડકર વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરવા સંબંધે છે. આ મામલે ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ જોધપુરની કોર્ટમાં SC-ST ઍક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી.
થોડા મહિના પહેલા કરી હતી Twitter પર પોસ્ટ
– પંડ્યા પર FIR નોંધાવવા માટે કોર્ટ પહોંચેલા એડવોકેટ ડી.આર. મેઘવાલે જણાવ્યું કે ક્રિકેટ ખેલાડી હાર્દિક પંડ્યાએ થોડાક મહિના પહેલા Twitter પર એક પોસ્ટ નાખીને બી.આર. આંબેડકર વિરુદ્ધ અપશબ્દો કહ્યા હતા. મેઘવાલે કહ્યું કે આ પહેલા લૂણી પોલીસ-સ્ટેશનમાં FIR કરાવવા માટે ગયા હતા, પરંતુ ત્યાંના ઇન્સ્પેક્ટરે તેને નોંધવાનો ઇન્કાર કરી દીધો હતો.
કેસ ન નોંધનાર ઇન્સ્પેક્ટર વિરુદ્ધ પણ FIR
મેઘવાલે જણાવ્યું કે ઇન્સ્પેક્ટરનું કહેવું હતું કે તે આટલા મોટા ક્રિકેટ પ્લેયર વિરુદ્ધ FIR ન નોંધી શકે. ત્યારબાદ મેઘવાલ કોર્ટ પહોંચ્યા અને ફરિયાદ રજૂ કરી, જેના પર બુધવારે કોર્ટમાં સુનાવણી કરીને હાર્દિક પંડ્યા વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો. આ મામલે કોર્ટે પંડ્યા વિરુદ્ધ કેસ ન નોંધનાપા લૂણીના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સિંહ વિરુદ્ધ પણ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.