”….માં રેવા રેવા તારું પાણી નિર્મળ…” આ શબ્દો કાને પડતા જ આંખો સામે નયનરમ્ય દ્રશ્યો સાથે ની એક સુંદર વાર્તા એટલે કે ફિલ્મ ‘રેવા’ યાદ આવી જ જાય. ફિલ્મ ની સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર કોઈ પણ વ્યક્તિ ને સીટ પર બેઠા બેઠા જ નર્મદા સ્નાન કરાવી દેવા માટે પુરતા છે. સાહિત્ય અકાદમી પુરસ્કૃત સાહિત્યકાર ધ્રુવ ભટ્ટ ની નવલકથા ‘તત્વમસિ’ પર થી બનેલી આ ફિલ્મ ના સર્જકોએ રૂપેરી પરદા માટે વાર્તા ને થોડોક twist આપ્યો છે કંઈક આ રીતે :
નાયક કરણ (ચેતન ધનાણી) અમેરિકામાં ઊછરેલો ગુજરાતી યુવાન છે. મા-બાપવિહોણા કરણના ધનાઢ્ય દાદાજીનું મૃત્યુ થાય છે. મિલિયન્સ ઑફ ડૉલર્સનો વારસદાર થવા થનગની રહેલા કરણને એના વકીલ કહે છે કે દાદાજી એના માટે કંઈ મૂકી ગયા નથી, પોતાની સઘળી સંપત્તિ એ નર્મદાકાંઠે આવેલા એક આશ્રમને દાનમાં આપી ગયા છે. કરણને એ મિલકત જોઈતી હોય તો ત્યાં જવાનું, એને મિલકત મળે એમાં વાંધો નથી એવા લખાણ નીચે આશ્રમના ટ્રસ્ટીઓની સહીઓ લેવાની. જો તે આમ ન કરે તો મિલકત હાથ માં થી જાય. ઑલમોસ્ટ (અમેરિકાના) રસ્તા પર આવી ગયેલો કરણ નછૂટકે નર્મદાકાંઠે આવેલા આશ્રમમાં જાય છે. અમેરિકામાં ઊછરેલા, સતત આઈપૅડ, આઈફોન, બ્લૂ ટૂથ હેડફોન્સના સાંનિધ્યમાં રહેતા કરણને હવે મોબાઈલનું નેટવર્ક મેળવવા માઈલોનું ચઢાણ કરવું પડે છે, નર્મદા તથા એની આસપાસનાં જંગલો માં ભટકવું પડે છે, આશ્રમની એક ઓરડીમાં રહેવું પડે છે, એને કંપની છે આશ્રમના મેનેજર ગુપ્તાજીની, સુશિક્ષિત-સુંદર સુપ્રિયાની અને નર્મદા શ્વસતી આદિવાસી પ્રજાની…
પણ આ યાત્રા માં અવનવા અનુભવો માં થી તે પસાર થાય છે. અને આગળ તેની સાથે મહાનદી નર્મદા પણ ફિલ્મમાં એક મહત્ત્વનું પાત્ર થઈને વહેતી જાય છે.
ભૌતિક સુખસગવડ વિના પણ નદીકાંઠે અલમસ્ત રહેતાં પુરિયા-બિત્તબુંગા (રૂપા બોરગાંવકર-અતુલ મહાળે-અભિનય બૅન્કર) જેવા આદિવાસીઓ અને એમના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ એવા સુપ્રિયા-શાસ્ત્રીજી-ગુપ્તાજી (અનુક્રમે મોના-યતીન કાર્યેકર-પ્રશાંત બારોટ) તથા જંગલમાં ઓલિયા ફકીરની જેમ રહીને પણ આદિવાસીઓનાં ઉત્થાનમાં રત એવા ગંડુ ફકીર (દયાશંકર પાંડે) જેવાં પાત્રો પ્રેક્ષકો સાથે કનેક્ટ જ નથી થતાં, બલકે, એમનાં સુખ-દુઃખને અનુભવે પણ છે. ગયા વર્ષે ચોર બની થનગાટ કરે જેવી મનોરંજક ફિલ્મ આપનારી આ દિગ્દર્શક જોડી રાહુલ ભોળે-વીનિત કનોજિયા કહે છેઃ “આ ફિલ્મનિર્માણના બે મોટા પડકારમાંનો એક અને સૌથી મોટો હતોઃ લેખન. કંઈકેટલાં પાત્રો, પરિમાણ, ગૂઢાર્થવાળી નવલકથામાંથી શું લેવું કેટલું લેવું અને પ્રેક્ષક સામે કેવી રીતે મૂકવું? ધ્રુવ દાદાએ અમને વાર્તામાં ફેરફાર કરવાની છૂટ આપી એ માટે અમે એમના ઋણી છીએ.”
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં હાલ પરિવર્તન નો દોર ચાલી રહ્યો છે એવા માં આવા વખાણવાલાયક પ્રયોગો ને આપણે જરૂર થી આવકારવા જોઈએ…