ઉત્તર ભારત માં ભારે તોફાન, આશરે ૯૫ લોકો મૃત્યુ પામ્યા

ઉત્તર ભારતમાં આવેલા તોફાનના કારણે આશરે ૯૫ લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હતા.

ઉત્તર પ્રદેશની સરકારે તોફાનના કારણે ૬૪ લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી છે, જ્યારે રાજસ્થાનમાં મૃતકોની સંખ્યા આશરે ૩૧જણાવવામાં આવી છે.

આ તરફ ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાને કારણે ઘણી જગ્યાઓથી ભૂસ્ખલનના અહેવાલ પણ મળ્યા હતા, જેના કારણે વાહનવ્યવ્હારને ઘણી અસર થયી હતી.

ગયા અઠવાડિયે કેદારનાથ મંદિરના કપાટ ખુલ્યા હતા અને તીર્થયાત્રિકો ઉત્તરાંખડ પહોંચવા લાગ્યા હતા.

સરકારી સૂત્રોની મળેલ માહિતી પ્રમાણે, ભારે વરસાદ અને તોફાનના કારણે ઉત્તરાખંડમાં વૃક્ષો તેમજ વીજળીના થાંભલા તૂટી પડ્યા હતા. જેના કારણે ઘણાં શહેરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

આગ્રામાં ૪૩ લોકોનાં મૃત્યુ પામ્યા

ઉત્તર પ્રદેશની સરકારે જણાવ્યું હતું કે, આગ્રામાં ૪૩ લોકો તોફાન અને વરસાદને કારણે મૃત્યુ પામ્યા હતા.

આ તરફ રાજસ્થાનમાં તોફાનના કારણે કેટલાક ઘરોમાં આગ પણ લાગી હતી. રાજસ્થાનના અલવરમાં સૌથી વધુ ક્ષતિ પહોંચી છે.

રાજસ્થાન સરકારે જણાવ્યું છે કે મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી ચાર લાખ રૂપિયા વળતરના રૂપમાં આપવામાં આવશે.

દિલ્હી સ્થિત ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ કે. જે. રમેશે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે પશ્ચિમી સાગરમાંથી વહેતી હવાને કારણે ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાયો અને મુશળધાર વરસાદ પડ્યો હતો.

તેમનું કહેવું છે કે રાજસ્થાનમાં સૂકી ઋતુ હતી એટલે ત્યાં રેતીલો પવન ફૂંકાયો હતો. પરંતુ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આર્દ્રતા અને બફારો હોવાને કારણે ભારે પવન સાથે વરસાદ પડ્યો.

હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલનું કહેવું છે કે આ મહિનામાં આ પ્રકારનો તોફાન અસ્વાભાવિક નથી.

તેઓ કહે છે, “જ્યારે ગરમીનો પારો ચઢવા લાગે છે તો પશ્ચિમી મહાસાગારમાંથી આવતી ઠંડી હવા ગરમીની લહેરનું કામ કરે છે. તે દરમિયાન તોફાન, ભારે વરસાદ અને વીજળી પડવા અથવા વાદળ ફાટવાની ઘટનાઓ ઉત્તર ભારતમાં સ્વાભાવિક છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *