સ્પેશિયલ CBIના જજ બી.એચ.લોયા ના મોતની એસઆઈટી તપાસની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂર અને એ.એમ.ખાનવિલકરની બેન્ચે કહ્યું કે, આ અરજીઓ રાજકીય લાભ મેળવવા માટે કરવામાં આવી છે, પરંતુ તેનો કોઈ ઠોસ આધાર નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે આ કેસમાં ૪ જજો એ આપેલા નિવેદન પર શંકાનું કારણ નથી બનતું. આટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર એક મોટું નિવેદન આપતાં કહ્યું કે આ અરજીઓ કોર્ટની ઈમેજ ખરાબ કરવાનો એક પ્રયાસ છે.
સોહરાબુદ્દીન શેખના કથિત ફેક એન્કાઉન્ટરના કેસની સુનાવણી કરી રહેલા જજ લોયાની મોતની સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરવા માટે સુપ્રીમમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓ પર 16 માર્ચના સુનાવણી પુરી થઈ હતી અને સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલ સુધી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બર 2014ના રોજ નાગપુરમાં જજ લોયાનું મૃત્યુ થયુ હતું, તે પોતાના એક સહકર્મીની દીકરીના લગ્નમાં શામેલ થવા જઈ રહ્યા હતા. કહેવામાં આવે છે કે કાર્ડિયેક અરેસ્ટને કારણે નિધન થયુ હતું, પરંતુ નવેમ્બર 2017માં તેમની બહેને મૃત્યુને શંકાસ્પદ જણાવ્યુ હતું. ત્યારપછી આ વાત ફરી એકવાર ચર્ચામાં આવી અને તેને સોહરાબુદ્દીન શેખ એનકાઉન્ટર સાથે જોડવામાં આવી.
જસ્ટિસ લોયાના મોતના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા એસઆઈટી તપાસની અરજી નામંજૂર કરવા મામલે કોંગ્રેસે કહ્યું છે કે હજીપણ ઘણાં સવાલો વણઉકેલ્યા છે. કોંગ્રેસે આજના દિવસને દેશના ઈતિહાસનો સૌથી દુઃખદ દિવસ ગણાવ્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે અસંતોષ વ્યક્ત કરતા ૧૦ સવાલો વણઉકેલ્યા હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, જસ્ટિસ લોયાના મોત બાદ તેમના વધુ બે સાથીદારોના પણ મોત નીપજ્યા હતા. આ મામલામાં ઘણાં પ્રકારના આરોપો સામે આવ્યા છે અને તેથી મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સૂરજેવાલાએ કહ્યું છે કે આજનો દિવસ ઘણો દુખદ છે. જસ્ટિસ લોયાના મોતનો મામલો ઘણો ગંભીર હતો. તેમણે ક્હ્યું છે કે જસ્ટિસ લોયા સોહરાબુદ્દીન કેસની સુનાવણી કરતા રહ્યા હતા અને તેમાં અમિત શાહનું નામ આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ પણ ઘણાં સવાલો હોવાનું સૂરજેવાલાએ જણાવ્યું છે.
જસ્ટિસ લોયાના મોતની એસઆઈટી તપાસને નામંજૂર કરતા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે પ્રતિક્રિયા આપી છે. રાજનાથસિંહે કહ્યુ છેકે ભાજપના વરિષ્ઠ નેતાઓની છબી ખરાબ કરવાની કોશિશ અસફળ રહી છે. તેમણે કહ્યું છે કે અદાલતોને રાજકીય લડાઈનો અખાડો બનાવી શકાય નહીં.