કેન્દ્રીય કેબિનેટ સગીરો સાથે બળાત્કારના ગુના બદલ ફાંસીની સજાની જોગવાઈના પ્રસ્તાવને મંજૂરી આપે તેવી શક્યતા છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સ એટલે કે પોક્સો એક્ટમાં સંશોધનને મંજૂરી મળે તેવી શક્યતા છે. આ સંશોધન બાદ ૧૨ વર્ષથી ઓછી વયની બાળકીઓ સાથે દુષ્કર્મ અને બળાત્કાર જેવા જ ઘન્ય અપરાધમાં દોષિતોને ફાંસીની સજાનો માર્ગ પ્રશસ્ત થઈ જશે. જમ્મુકાશ્મીરના કઠુઆ, સૂરત, યુપીના એટામાં સગીર બાળકીઓ સાથે બળાત્કારની ઘટનાઓએ દેશને ખળભળાવી નાખ્યો છે. બાદમાં સરકાર સગીર બાળકીઓએ બળાત્કાર કરનારે કડકમાં કડક સજાની જોગવાઈ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આશા કરવામાં આવે છે કે શનિવારે કેબિનેટની બેઠકમાં પોક્સો એક્ટમાં સંશોધનને મંજૂરી મળી જશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ તાજેતરમાં જણાવ્યું હતું કે તેઓ કઠુઆ અને જમ્મુમાં તાજેતરમાં થયેલી બળાત્કારની અન્ય ઘટનાઓથી ખુબજ દુઃખી છે. તેમનું મંત્રાલય ટૂંક જ સમયમાં પોક્સો એક્ટમાં સંશોધનનો પ્રસ્તાવ કેબિનેટની સમક્ષ રજૂ કરશે. હાલ આ કાયદામં દોષિતો માટે ફાંસીની સજાની જોગવાઈ નથી.
કેબિનેટની બેઠકના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજીના જવાબમાં એક પત્ર રજૂ કરીને કહ્યુ હતું કે સરકાર પોક્સો એક્ટમાં સંશોધન કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેના પ્રમાણે ૧૨ વર્ષથી ઓછી વયની બાળકીઓ સાથે બળાત્કાર બદલ ગુનેગારને ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી ૨૭ એપ્રિલે હાથ ધરાવાની છે. કઠુઆમાં આઠ વર્ષની બાળકીની સાથે સામુહિક બળાત્કાર અને બાદમાં તેની હત્યાના મામલામાં ગુનેગાર માટે ફાંસીની સજાની માગણી આક્રમક રીતે ઉઠી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ જ્યારે પોક્સોમાં સંશોધનના પ્રસ્તાવની વાત કરી. ત્યારે તેમને ચોતરફી સમર્થન મળ્યું હતું.
કોંગ્રેસ ના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન ખેંચ્યુ હતું
સગીરાઓ સાથે બળાત્કારની ઘટનાઓને લઈને રાહુલ ગાંધીએ પણ ટ્વિટ દ્વારા વડાપ્રધાન મોદીનું ધ્યાન આ સમગ્ર ઘટનાઓ તરફ ખેંચ્યુ હતું. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં કહ્યુ હતુ કે માત્ર ૨૦૧૬માં જ સગીર બાળકીઓ સાથે બળાત્કારની ૧૯,૬૭૫ જેટલી ઘટનાઓ સામે આવી છે. રાહુલ ગાંધી એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવા મામલાઓમાં ઝડપથી સુનાવણી કરાવીને પીડિતોને ન્યાય અપાવવાના ઉપાય કરવા જોઈએ. બે દિવસ પહેલા જ મેનકા ગાંધીએ તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને પત્ર લખીને જાતીય ઉત્પીડનની ઘટનાઓના નિપાટારા માટે સ્પેશયલ સેલ બનાવવાની વાત જણાવી હતી. મુખ્યપ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલોને લખવામાં આવેલા પત્રમાં મેનકા ગાંધીએ કહ્યું હતું કે આવી ઘટનાની તપાસ અને પુરાવા એકઠા કરવા માટે પોલીસકર્મીઓને વિશેષ તાલીમ આપવી જોઈએ. રાજ્યોમાં ફોરેન્સિક લેબની સ્થાપના થવી જોઈએ. જેથી દોષિતો બચી શકે નહીં અને આવા ગુનેગારોને ઝડપથી સજા કરાવી શકાય.