દેશમાં બાળકીઓ સામે સતત થઈ રહેલા અત્યાચારના સમાચારો વચ્ચે નવી દિલ્હીની એક ૧૫ વર્ષની કિશોરીએ પોતાના માતા-પિતા પર જ આરોપ લગાવ્યો હતો.કિશોરીએ જણાવ્યું હતું કે તેમણે પોતાના પર થયેલા ગેંગરેપના કેસને દબાવવા માટે તેના માતા-પિતા એ આરોપી સાથે મળીને રૂ.૨૦ લાખનો સોદો કર્યો હતો.
દિલ્હીના અમન વિહારમાં રહેતી એક કિશોરની ફરિયાદ અનુસાર ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુનિલ શાહી અને ચંદ્રભૂષણ નામના બે વ્યક્તિઓ દ્વારા તેનું અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ અંગેની ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ જામીન પર બહાર આવ્યા બાદ બંનેએ કિશોરીના માતાપિતા સાથે આ કેસમાં નિવેદન બદલવા માટે રૂ. ૨૦ લાખ આપવાનું વચન આપ્યું હતું.
કિશોરીના માતાપિતા પણ આરોપીઓના આ સોદા સાથે સહમત થઈ ગયા હતા. બાદમાં બંનેએ તેની પુત્રીને તેનું નિવેદન બદલવાનું કહ્યું હતું. આ દરમિયાન કિશોરીની તેના માતા-પિતા સાથે ઘણી બોલાચાલી થઈ હતી. માતાપિતાએ કિશોરી પર દબાણ કરીને નિવેદન બદલવાનું કહ્યું હતું. ૮મી એપ્રિલના રોજ આરોપીઓ કિશોરીના ઘરે આવ્યા અને વચન પ્રમાણે પાંચ લાખ રૂપિયા કિશોરીના માતાપિતાને આપી ગયા હતા. સાથે એવી ધમકી પણ આપી હતી કે જો કિશોરી તેનું નિવેદન નહીં બદલે તો તેના પર ફરીથી બળાત્કાર કરવામાં આવશે.
બીજા દિવસે સવારે કિશોરી આ ૫ લાખની રકમ સાથે અમન વિહાર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેના માતાપિતા સહિત તમામ સામે ફરિયાદ નોંધાવી હતી. ડેપ્યુટી પોલીસ કમિશ્નર એમ.એન.તિવારીએ આ અંગે જણાવ્યું હતું કે આ અંગે તપાસ કરવામાં આવી રહી છે તેમજ યુવતીના પિતાની ધરપકડ કરવા માટે એક પોલીસ ટીમની રચના કરવામાં આવી છે.
વર્ષ 2016ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા પ્રમાણે વર્ષ દરમિયાન મહિલાઓ સામે નોંધાયેલા ક્રાઇમના કુલ બનાવોમાંથી 33% કેસ દિલ્હીમાં નોંધાયા હતા. તેમજ કેદ કે અપહરણના 5,453 કેસ નોંધાયા હતા. 2015ની સરખામણીમાં 2016માં બાળકો સામેના ક્રાઇમના કેસમાં 13 ટકાનો વધારો નોંધાયો હતો. વર્ષ 2017 માટે એનસીઆરબીએ હજુ સુધી આંકડા જાહેર કર્યા નથી.