વિખ્યાત પ્રવાસન સ્થળ એવા હિમાચલ પ્રદેશના મનાલીમાં ભૂકંપનો આંચકો અનુભવાતા ફફડાટ સર્જાયો છે. દિવાળી વેકેશનની સીઝન ટાણે મનાલીમાં પ્રવાસીઓના ધસારા વચ્ચે ધરતી ધણધણતા ભૂસ્ખલનની પણ આશંકા વ્યક્ત થવા લાગી હતી.
સિસ્મોલોજી સેન્ટરના રિપોર્ટ પ્રમાણે આજે વ્હેલી સવારે 6.02 કલાકે મનાલીની ઉતર-ઉતર પશ્ર્ચિમે 108 કિલોમીટર દૂર 4.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભુગર્ભમાં 10 કિલોમીટર ઉંડે કંપન હતું અને તેનાથી ધરતી ધણધણી હતી. ભૂકંપનો ઝટકો તેજ હતો એટલે ઇમારતો હલબલી હતી અને લોકોએ પણ તે મહેસુસ કર્યો હતો. લાહોલ-સ્પીતી તથા મંડીમાં પણ ધ્રુજારી અનુભવાઈ હતી.
જો કે, પ્રાથમિક તબક્કે જાનમાલના કોઇ નુકશાનીનાં રિપોર્ટ નથી છતા તંત્રને એલર્ટ કરી સર્વે કરવાની સુચના આપવામાં આવી છે. મનાલીમાં આજના આંચકા પૂર્વે ગઇકાલે સીમલામાં પણ આંચકો અનુભવાયો હતો. આ પૂર્વે ચંબામાં પણ નોંધાયો હતો. લાહોલ-સ્વીટીમાં ધરતી ધણધણતા ખતરો વધી ગયો છે. હિમસ્ખલનની આશંકા વધી ગઇ છે. તાજેતરમાં જ બેથી ત્રણ ફૂટ હિમવર્ષા થઇ હતી. સિમલામાં પણ ગઇકાલે 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.