હિમાચલ પ્રદેશમાં એક મહિનામાં ૫૫૦ વિદ્યાર્થીના કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, સરકારી અને ખાનગી શાળાઓના ૫૫૬ વિદ્યાર્થી ૨૭ સપ્ટેમ્બરથી ૨૫ ઓક્ટોબરના ગાળામાં કોવિડ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ૧૯૬ વિદ્યાર્થી હમીરપુર જિલ્લાના છે. કાંગડાના ૧૭૩, ઉનાના ૧૦૪, મંડીના ૨૬, શિમલાના ૨૨, કિન્નોરના ૧૪, કુલ્લુના ૮, બિલાસપુરના સાત, સોલનના ચાર તેમજ ચંબા અને લાહૌલ-સ્પિતિ જિલ્લાના એક-એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ નોંધાયા છે. હમીરપુરના ૧૯૬ વિદ્યાર્થીમાંથી ૩૫ ડૂંગરીની નવોદય વિદ્યાલયના છે, જે ૮ ઓક્ટોબરે કોવિડ પોઝિટિવ હોવાનું જણાયું હતું. જ્યારે બારાની ગવર્મેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલના ૧૫ અને ૧૨ વિદ્યાર્થી અનુક્રમે ૨૩ અને ૨૪ ઓક્ટોબરે કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ૫૫૬માંથી ૨૫૦ વિદ્યાર્થી હજુ કોરોના સંક્રમિત છે. જ્યારે ૩૦૫ વિદ્યાર્થી રિકવર થઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગના ડેટા મુજબ સોમવારે બપોર સુધીમાં હિમાચલ પ્રદેશમાં કોવિડના ૧,૪૧૫ એક્ટિવ કેસ હતા. એનો અર્થ એ થયો કે, રાજ્યમાં કુલ એક્ટિવ કેસમાં છઠ્ઠા ભાગના વિદ્યાર્થી છે. થોડા દિવસ પહેલાં હમીરપુર જિલ્લામાં ૧૩ વર્ષની એક વિદ્યાર્થી મૃત્યુ પામી હતી.
