રેકોર્ડબ્રૅક વરસાદને કારણે ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં ભારે તારાજી ફેલાવા પામી છે. વરસાદની સૌથી વધુ અસર તળાવો માટે વિખ્યાત ટુરિસ્ટ સ્પૉટ નૈનીતાલ ખાતે જોવા મળી રહી છે.કોસી, ગૌલા, રામગંગા અને મહાકાળી સહિત આ વિસ્તારની તમામ નદીઓમાં જળસ્તર ખતરનાકસ્તરે વહી રહ્યું છે. સંખ્યાબંધ ભૂસ્ખલનોને કારણે અનેક જગ્યાએ મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે તથા અનેક રસ્તા ઉપર અવરોધ ઊભા થયા છે.કુમાઉના ડીઆઈજી નીલેશ ભરણેએ બીબીસીને જણાવ્યું, “અત્યારસુધીમાં 46 લોકોનાં મૃત્યુ થયા છે તથા છેવાડાના વિસ્તારમાં બચાવ કામગીરી ચાલી રહી છે.”એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધે છે.ભરણેએ જણાવ્યું : “અલગ-અલગ વિસ્તારોમાં ઑપરેશન હાથ ધરવામાં આવ્યા છે. નૈનીતાલ જિલ્લાના મુક્તેશ્વર તથા રામગઢ વિસ્તારોમાં સૌથી વધુ અસર થઈ છે. જે સ્થળોએ ગાડીઓ પહોંચી શકે તેમ નથી ત્યાં બચાવકર્મીઓ પગપાળા પહોંચી રહ્યા છે.”અગાઉ નૈનીતાલ જતા રસ્તાઓ પર કાટમાળને કારણે અવરોધ ઊભો થયો હતો, પરંતુ હવે રસ્તા ખુલી ગયા છે અને ટ્રાફિક સામાન્ય થઈ ગયો છે એમ પણ ભરણેએ ઉમેર્યું હતું.