અફઘાનિસ્તાનને લઈને રશીયાએ મોસ્કો ખાતે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા, ચીન, ભારત, ઈરાન અને પાકિસ્તાન સહિત 10 દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા બાદ રશિયાએ આ બેઠકનું પ્રથમ વખત આયોજન કર્યું હતું. જેમાં ભારત અને તાલિબાનના પ્રતિનિધિ પ્રથમ વખત સામ-સામે આવ્યા હતા. આ બેઠકમાં યુએનને સાથે રાખીને અફઘાનની મદદ કરવાનો ભારતનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત તાલિબાનને શાસન સુધારવા તમામ દેશોએ સલાહ આપી હતી.ભારત અને વચગાળાની તાલિબાન સરકારના સભ્યોએ પ્રથમ વખત મુલાકાત કરી હતી બન્ને પક્ષે રાજદ્વારી સંપર્કોમાં સુધારો કરવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ઉપરાંત માનવતાવાદી સહાય ઉપર પણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ભારત તરફથી જેપી સિંઘ અને તાલિબાન તરફથી નાયબ વડાપ્રધાન મૌલવી અબ્દુલ સલામ હનાફીએ પ્રતિનિધિત્વ કર્યું હતું. તાલિબાને એક નિવેદનમાં દાવો કર્યો કે બંને પક્ષોએ એકબીજાની ચિંતાઓ ધ્યાનમાં લીધી અને રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધારવાના નિર્ણય લીધા હતા. તાલિબાનના જણાવ્યા અનુસાર ભારતે માનવીય સહાયતા આપવાની ખાતરી આપી છે.