વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહ સોમવારે ઇરાકના મોસુલમાં બંદી બનાવીને મારી નાખવામાં આવેલા ૩૮ ભારતીય મજૂરોના અવશેષોને લઇને ભારત પરત ફર્યા હતા. વી.કે સિંહ નું સ્પેશિયલ પ્લેન અમૃતસરમાં લેન્ડ થયું. આ પહેલા ઇરાકમાં વી.કે સિંહે પોતે શબપેટીઓને પ્લેનમાં મૂકવામાં મદદ કરી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું, ‘કેટલીક જવાબદારીઓનો બોજ ઘણો મોટો હોય છે.’ ઉલ્લેખનીય છે કે વી.કે. સિંહ રવિવારે સ્પેશિયલ વિમાન દ્વારા મોસુલ ગયા હતા. વી.કે. સિંહે જણાવ્યું હતું, “અવશેષો સોંપવા માટે ઇરાકની સરકારનો આભાર માનું છું. ૩૮ લોકોના અવશેષો અમને મળી ચૂક્યા છે, જ્યારે ૩૯ મા શબનું ડીએનએ મેચ કરવાનું હજુ બાકી છે. એવું લાગે છે કે તેમાંથી મોટાભાગના લોકો આઇએસઆઇએસ આતંકીઓની ગોળીઓનો શિકાર બન્યા છે.”
૩૮ ભારતીયોના અવશેષોને ભારત પરત લઇને આવેલા વી.કે સિંહને પૂછવામાં આવ્યું હતું કે માર્યા ગયેલા ભારતીયોના પરિવારજનોને નોકરીઓ આપવામાં આવશે કે નહીં. તેનો જવાબ આપતા વી.કે. સિંહે કહ્યું કે, આ કોઇ ફૂટબોલની ગેમ નથી. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સેન્સિટિવ સરકારો છે. વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ મૃતકોના પરિવારજનો પાસેથી તેમના પરિવારના સભ્યોની વિગતો માંગી છે, કે કોને જોબ આપી શકાય એમ છે. જેવી જેની યોગ્યતા હશે તેના આધાર પર સરકાર કોઈ નિર્ણય કરશે.તેમજ પંજાબ સરકારે મૃતક પરિવારના એક-એક સભ્યને યોગ્યતા પ્રમાણે સરકારી નોકરી આવવાની અને પાંચ-પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે. આ તમામ લોકો ઈરાકમાં રોજગારી મેળવવા માટે ગયા હતાં ત્યારે આઈએસઆઈએસના આતંકીઓએ તેમનું અપહરણ કર્યું હતુ. અને ૨૦૧૪માં તમામની હત્યા કરી નાંખી હતી.
વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે જણાવ્યું હતું કે, આ કંઇ બિસ્કિટ વહેંચવાનું કામ નથી. આ લોકોની જિંદગીઓનો સવાલ છે. આવી ગઇ વાત સમજમાં? હું અત્યારે એલાન ક્યાંથી કરું? ખિસ્સામાં કોઇ પટારો થોડી રાખ્યો છે?
શબપેટીઓને વિમાનમાં ચડાવતી વખતે ભારતના વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહે તેમને સલામી આપી. આ દરમિયાન સિંહે આતંકવાદીઓની ટીકા કરી અને આતંકવાદ વિરુદ્ધ લડાઇમાં ભારત સરકારનું વલણ જાહેર કર્યું.તેમણે આઇએસઆઇએસને અતિશય ક્રૂર સંગઠન જણાવીને કહ્યું કે અમારા દેશના નાગરિકો તેમની ગોળીઓનો શિકાર થયા છે. અમે લોકો દરેક પ્રકારના આતંકવાદની વિરુદ્ધમાં છીએ.
ઈરાકના મોસુલ શહેરમાં આતંકી સંગઠન આઈએસઆઈએસએ ૩૯ ભારતીયોને મારી દીધા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ જ મહિને આ વાતને સંસદમાં કહી હતી.
આ ભારતીયોને જૂન ૨૦૧૪માં માર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ તેનો ખુલાસો હવે થયો છે. સુષ્માએ કહ્યું છે કે, અમે પૂરતી ખાતરી કરવા માગતા હતા તેથી આ માહિતી મોડી આપવામાં આવી છે.
ઈરાકના મોસુલ શહેરમાંથી ગયા વર્ષે આઈએસઆઈએસનો સફાયો થઈ ગયો હતો. તેનું એલાન થયાના બીજા જ દિવસે વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહ મોસુલ ગયા. તેઓએ ત્યાં ભારતીયોની શોધખોળનો પ્રયાસ કર્યો. ત્યાં કોઈ સફળતા ન મળી. ત્યારબાદ એક શખ્સે વીકે સિંહને જણાવ્યું કે બદૂશ શહેરમાં એક ટીલામાં ઘણી બધી લાશો દફન છે. ત્યારબાદ ભારતના રાજદૂત અને વીકે સિંહએ બદૂશમાં શોધખોળ હાથ ધરી. સિંહ અને તેમના અધિકારી બદૂશના એક ખંડેર જેવા મકાનમાં રોકાયા. તેઓ ત્યાં જમીન પર સૂઈ જતા હતા.
વિદેશ રાજ્ય પ્રધાન વીકે સિંહ ઈરાક પહોંચીને ૩૮ ભારતીયોના અવશેષોને લઈને સ્વદેશ પહોંચ્યા છે. અવશેષો લઈને આવેલું વિશેષ વિમાન પહેલા અમૃતસર પહોંચ્યુ. પંજાબમાં પીડિત પરિવારોને તેમના મૃતક સ્વજનના અવશેષો સોંપાયા બાદ વિમાન પટના અને કોલકત્તા જશે. માર્યા ગયેલા ૩૯ માંથી ૨૭ નાગરિકો પંજાબના હતા. જ્યારે ચાર બિહારના છે.