જામનગરમાં વરસાદમાં સીસી રોડના બદલે સૌથી વધુ 3100 મીટર ડામર રોડ તૂટી જતાં આશ્ચર્ય સર્જાયું છે. શહેરના કુલ 16 વોર્ડમાં કાચા, ડામર અને સીસી મળી કુલ 14500 મીટરના માર્ગોને નુકસાન થયું છે. ફકત 6000 મીટર તૂટેલા કાચા રસ્તાના રીપેરીંગ પાછળ રૂ.71 લાખનો ખર્ચ થયો: ડામર, સીસી રોડનું સમારકામ બાકી છે.
જામનગરમાં ચાલુ વર્ષે મેઘરાજાએ સટાસટી બોલાવતા અને ડેમના પાણી નીચાળવાળા વિસ્તારોમાં ભરાઇ જતાં વ્યાપક તારાજી થઇ છે. વરસાદના કારણે શહેરના કુલ 16 વોર્ડમાં 14500 મીટરના માર્ગો તૂટી ગયા છે. જેમાં કાચા રસ્તા 10400 મીટર, 3100 મીટર ડામર રોડ અને 1000 મીટર સીસી રોડનો સમાવેશ થાય છે. કુલ 10400 મીટર તૂટેલા કાચા રસ્તા પૈકી 6000 મીટર માર્ગ રીપેર કરવા પાછળ રૂ.70 લાખનો ખર્ચ થયો છે. શહેરમાં તૂટેલા રસ્તા પૈકી ડામર અને સીસી રોડનું સમારકામ બાકી છે. શહેરમાં સીસી રોડ કરતા વધુ 3100 મીટર ડામર રોડ તૂટી જતાં આશ્ચર્યની સાથે સવાલ ઉઠયા છે.