રામાયણ સિરિયલમાં ‘રાવણ’નું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન

એક સમયે દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગર કૃત ‘રામાયણ’ સિરિયલમાં લંકેશનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય બનેલા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 83 વર્ષની ઉંમરે મુંબઈના કાંદિવલી ખાતેના નિવાસસ્થાને નિધન થયું છે. મૂળ ઈડરના કુકડિયા ગામ એમનું વતન. ઉજ્જૈનનાં મહાકાલેશ્વરનાં સમીપે ઈંદોરમાં ૮ નવેમ્બર ૧૯૩૮માં બ્રાહ્મણ કુળમાં જન્મેલા અરવિંદ ત્રિવેદીએ ગળથૂંથીમાં જ ધાર્મિક સંસ્કારો મેળવ્યા છે. પિતા ઈંદોરની અગ્રગણ્ય મિલનાં મેનેજર પદેથી નિવૃત્ત થયા એટલે મોટાભાઈ ભાલચંદ્રનાં સાથ સહકારથી ઉપેન્દ્રભાઈ અને અરવિંદભાઈ મુંબઈ આવ્યા. મોટાભાઈ ઉપેન્દ્ર ત્રિવેદીને રંગભૂમિ પર અભિનય કરતાં જોઈને એમને પણ રંગભૂમિ તરફ લગાવ લાગ્યો અને તેમણે પણ અભિનય કરવાનું શરૂ કર્યું. અરવિંદભાઈ ૧૯૯પથી દર વર્ષે રામનવમીએ પરિવાર સાથે શ્રી રામના ભવ્ય પૂજાપાઠ કરતા અને સાંજે સુંદરકાંડ પણ કરતા. જેમાં ઈડર, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસનાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા. છેલ્લાં 30 વર્ષથી તેઓ રામનવમી નિમિત્તે ભવ્ય પાટોત્સવ કરીને ઉજવણી કરતા તથા સાંજનાં સમયે જાહેર જનતા માટે સુંદરકાંડ પાઠનું આયોજન પણ કરતા. ભાદરવી પૂનમે અંબાજી દર્શન કરવા જતાં લાખો માઈભક્તો માટે સતત ચાર દિવસ સુધી તેમના ઈડર ખાતેનાં અન્નપુર્ણા ભવન ખાતે જમણવાર અને આરામ કરવા માટે વિસામાનું આયોજન એ કરતા. ઇડરમાં સામાજિક સેવાના અનેક કાર્યો તેમને કર્યા. 1991 થી 1996 સુધી લોકસભાના સાંસદ તરીકે પણ તેઓ સક્રિય રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *