સ્પાઈસ જેટ એરલાઈન્સની એરહોસ્ટેસોએ શનિવારે સવારે ચેન્નઈના એરપોર્ટ પર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન એરલાઈન્સના જ સુરક્ષાકર્મચારીઓ દ્વારા કથિત રીતે તેમના કપડા ઉતરાવીને ચેકીંગ કરવાના વિરોધમાં હતું. મહિલા કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે પાછલા કેટલાક દિવસોથી ફ્લાઈટમાંથી ડિ-બોર્ડ કર્યા બાદ કપડા ઉતરાવીને તેમની તપાસ કરાઈ રહી છે. સુરક્ષા કર્મચારીઓએ કથિત રીતે એર હોસ્ટેસના હેન્ડબેગ્સથી લઈને સેનેટરી પેડ્સ પણ કાઢવા માટે કહ્યું.કેબિન ક્રૂના પ્રભાવને કારણે કોલંબોમાં આંતરરાષ્ટ્રીય ઉડાનો એક કલાક મોડી પડી હતી. આ ઘટનાનું એક વિડીયો પણ છે, જેમાં કેબિન ક્રૂ પણ કપડાં ઉતારીને તેની તપાસ કરે છે.
કેબિન ક્રૂ ત્યારે કામ પર પાછો પહોંચ્યો જ્યારે સ્પાઈસજેટ મેનેજમેન્ટે સોમવારે ગુડગાંવ ઓફિસમાં ઉચ્ચસ્તરીય બેઠક કરવાનું આશ્વાસન આપ્યું. એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર, કેબિન ક્રૂના વિરોધના કારણે ચેન્નઈ એરપોર્ટની બે ફ્લાઈટ લગભગ એક કલાક મોડી પડી હતી. કથિત રૂપે ચેન્નઈ એરપોર્ટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં યુનિફોર્મ પહેરેલી કેટલીક એરહોસ્ટેસ તથા સાદા ડ્રેસમાં કેટલીક મહિલાઓ કપડાં ઉતારીને તપાસ થવાની ફરિયાદ કરી રહી છે.
વીડિયોમાં એક મહિલા કહી રહી છે કે, કોઈએ મને ખોટી રીતે સ્પર્શ કર્યો છે. હું ખૂબ બેચેન થઈ ગઈ. હું ન્યૂડ હતી. વિરોધ કરી રહેલા કેબિન ક્રૂનો આરોપ હતો કે એરલાઈન્સને શક છે કે તેઓ ફૂડ અને અન્ય સામાનના વેચાણથી મળતા કેશમાં હેરાફેરી કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે ફ્લાઈટમાંથી ડિ-બોર્ડ કર્યા બાદ તેમને વોશરૂમ જવાની પરમિશન પણ નથી મળતી.
એક અનુભવી એરહોસ્ટેસે કહ્યું કે, એર હોસ્ટેસની પાછલા ત્રણ દિવસોથી કપડાં ઉતરાવીને તપાસ કરવામાં આવી રહી છે અને મહિલા કર્મચારીઓ અમને ખોટી રીતે સ્પર્શ કરે છે. એક એર હોસ્ટેસને પીરિયડ દરમિયાન પણ પેડ ઉતારવા માટે કહેવામાં આવ્યું.
આ ફ્લાઈટ સર્વિસિસનું કામકાજ જોનારા સ્પાઈસજેટના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ કમલ હીગોરાનીએ એક ઈ-મેઈલમાં આવી તપાસ દરમિયાન ઘણી કેબિન ક્રૂ પર કેશ લઈ જવાની શંકાને કારણ જણાવ્યું. કર્મચારીઓએ એક ઈ-મેઈલમાં કહ્યું કે, અમે સ્પોટ ચેક્સ માટે મજબૂર થયા છીએ. જે કંપનીની એક નીતિ છે. અમારા સૌના હિતમાં છે કે અમારામાંથી બેઈમાનને ઓળખી શકાય જેથી ઈમાનદારો પર આરોપ ન લાગે.