૧૯૯૮ માં બોલીવુડ ના દબંગ સલમાન ખાન સહિત અન્ય અભિનેતાઓએ ઘોડા ફાર્મ હાઉસ અને ભવાદ ગામમાં ૨૭-૨૮ સસ્પેટમ્બરની રાત્રે હરણનો શિકાર કર્યો હતો.
કાળિયારના શિકાર મામલે આરોપી સલમાન ખાન સહિત તમામ પક્ષોની સુનાવણી બુધવારે પૂરી થઈ ગઈ છે. જોધપુર કોર્ટ ૫ એપ્રિલે પોતાનો ફેંસલો સંભળાવશે. ૨૦ વર્ષથી આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. સલમાન ઉપરાંત આ કેસમાં સૈફઅલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રે પણ આરોપી છે. દલીલો બાદ મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ દેવકુમાર ખત્રીએ પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો છે.
ક્યારે કરાયો હતો શિકાર?
૧૯૯૮ માં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન સલમાન સહિત અન્ય અભિનેતાઓએ ઘોડા ફાર્મ હાઉસ અને ભવાદ ગામમાં ૨૭-૨૮ સસ્પેટમ્બરની રાત્રે હરણનો શિકાર કર્યો હતો. તેની સાથે ફિલ્મના અન્ય કલાકારો પણ હતા. કાંકાણી ગામમાં 1લી ઓક્ટોબરે કાળા હરણના શિકારનો આરોપ છે.
બોલીવુડ ના અભિનેતા સલમાન ખાન વિરૂદ્ધ કેટલાં કેસ?
૧૯૯૮ માં હમ સાથ સાથ હૈ ફિલ્મની શૂટિંગ સમયે સલમાન પર ૪ કેસ દાખલ થયાં હતા. ત્રણ કેસ હરણના શિકાર અને ચોથા કેસ આર્મ્સ એક્ટનો હતો. ધરપકડ દરમિયાન સલમાનના રૂમમાંથી પોલીસે પિસ્તોલ અને રાયફલ જપ્ત કરી હતી. આ હથિયારોની લાયસન્સની અવધી ખતમ થઈ ગઈ હતી.
કેટલાં કેસમાં સજા સંભળાવવામાં આવી, કેટલામાં બાકી?
૧) કાંકાણી ગામ કેસઃ આ મામલે 5 એપ્રિલે સજા સંભળાવશે કોર્ટ
૨) ઘોડ ફાર્મ હાઉસ કેસઃ ૧૦ એપ્રિલ,૨૦૦૬ નાં રોજ સીજેએમ કોર્ટે ૫ વર્ષની સજા સંભળાવી હતી. સલમાને હાઈકોર્ટમાં અપીલ કરી. ૨૫ જુલાઈ, ૨૦૧૬નાં રોજ તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં. રાજ્ય સરકારે આ ફેંસલાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
૩) ભવાદ ગામ કેસઃ સીજેએમ કોર્ટે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૬ નાં રોજ સલમાનને દોષિત જાહેર કર્યો અને ૧ વર્ષની સજા સંભળાવી. હાઈકોર્ટે આ મામલે પણ સલમાનને નિર્દોષ જાહેર કરી દીધો. રાજ્ય સરકારે ફેંસલાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
૪) આર્મ્સ કેસઃ ૧૮ જાન્યુઆરી, ૨૦૧૭ નાં રોજ કોર્ટે સલમાનને નિર્દોષ જાહેર કર્યો હ તો. રાજ્ય સરકારે આ ફેંસલાના વિરૂદ્ધમાં પણ હાઈકોર્ટમાં અપીલ કરી છે.
કાંકાણી કેસમાં શું નિવેદન અપાયું હતું?
– સાક્ષીઓએ જણાવ્યું હતું કે જોધપુર નજીકના કાંકાણી ગામની સરહદ પર ૧લી ઓક્ટોબર, ૧૯૯૮ની રાત્રે સલમાને બે કાળા હરણનો શિકાર કર્યો હતો.
– તેઓએ કહ્યું હતું કે, “સૈફઅલી ખાન, નીલમ, સોનાલી અને તબૂબી પણ તેની સાથે વાહનમાં જ સવાર હતી. આ લોકોએ સલમાનને શિકાર માટે ઉકસાવવાનો આરોપ છે. ગોળીનો અવાજ સાંભળીને ગ્રામીણ લોકો ત્યાં એકઠાં થઈ ગયા હતા. ગ્રામીણો આવતાં સલમાન ખાન ત્યાંથી ગાડી લઈને ચાલ્યો ગયો હતો અને બંને હરણ ત્યાં જ પડ્યા હતા.”
કેટલી સજા થઈ શકે છે?
– વાઈલ્ડ લાઈફ એક્ટની ધારા ૧૪૯ અંતર્ગત કાળિયારના શિકાર કરવા પર ૭ વર્ષની વધુમાં વધુ જેલની સજાની જોગવાઈ છે. કેટલાંક વર્ષ પહેલાં આ સજા ૬ વર્ષની હતી. સલમાનનું પ્રકરણ ૨૦ વર્ષ જૂનું છે, એવામાં વધુમાં વધુ ૬ વર્ષની જેલની સજા જ મળી શકે છે. અન્ય આરોપીઓ વિરૂદ્ધ પણ આ કાયદો જ લાગુ થશે.